Sat,11 July 2020,10:30 am
Print
header

SCAM-PART-1 SGSTની આવક ઘટવા પાછળ કેટલાક વિસ્તારના કૌભાંડીઓ પર રહેમ નજર પણ જવાબદાર, સરકાર આવા અધિકારીઓને હટાવે તે જરૂરી

મહેશ પટેલ, એડિટર

ગાંધીનગર: રાજ્યમાં મંદીના માહોલમાં સરકારની SGSTની આવક ઘટી હોવાનું ચર્ચાઇ રહ્યું છે, પરંતુ SGSTની આવક ઘટવા પાછળના અન્ય કારણોની તપાસ થવી પણ જરૂરી છે, એક કારણ એ છે કે દેશમાં મંદીના માહોલમાં ઉત્પાદનમાં ઘટાડો થતા અનેક કંપનીઓએ ઉત્પાદન બંધ કર્યું છે, તેની અસર ગુજરાતમાં પણ દેખાઇ રહી છે, જેને કારણે રાજ્ય સરકારની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં ઘડાટો થયો છે, થોડા દિવસ પહેલા આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2018ના નાણાંકીય વર્ષ દરમિયાન SGSTની 14,900 કરોડ રૂપિયાની આવક હતી, જે 2019માં ઘટીને 14,642 કરોડ થઇ છે, એટલે કે તેમાં 258 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, વેટની આવક પણ 9,200 કરોડ રૂપિયાથી ઘટીને 8,827 કરોડ થઇ છે.

SGSTની આવક ઘટવા પાછળ અન્ય પરિબળો પણ જવાબદાર 

માત્ર ઉત્પાદન ઘટવાથી કે ધંધાઓ બંધ થવાથી SGSTની આવક ઘટી હોય તેવું નથી, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અમદાવાદ, અલંગ, ભાવનગર, ગાંધીધામ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં બોગસ બિલિંગનો ધંધો વધી રહ્યો છે, કૌભાંડીઓ માત્ર કાગળ પર ધંધો બતાવીને સરકારમાંથી કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને સરકારી તિજોરીને નુકસાન કરી રહ્યાં છે, સરકાર જ્યારે નાણાંકીય વર્ષના હિસાબો બહાર પાડે છે, ત્યારે આવા કૌભાંડીઓએ પડાવી લીધેલા કરોડો રૂપિયાની રકમની કોઇ ગણતરી તેમાં નથી આવતી, અને આ આંકડો કરોડો રૂપિયામાં હોય છે, જેથી એક રીતે બોગસ બિલિંગના ધંધાને કારણે સરકારને મોટું નુકસાન થઇ રહ્યું છે.

અમદાવાદના કેટલાક વિસ્તારના વેપારીઓ-કૌભાંડીઓ પર રહેમ નજર 

આશ્રમ રોડ પરની ઓફિસના એક ઉચ્ચ  અધિકારી તો 7 વર્ષ કરતા વધુ સમયથી એક જ જગ્યાએ છે, આ અધિકારી શહેરના કેટલાક વિસ્તારોના વેપારીઓ પર રહેમ નજર રાખી રહ્યાં છે, જેમના રોફને કારણે અમદાવાદના સરખેજ, મકરબા અને જુહાપુરા જેવા વિસ્તારોમાં બોગસ બિલિંગનું કામ કરતા કૌભાંડીઓ અને ટેક્સ ચોરી કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરતા અન્ય અધિકારીઓ ફફડી રહ્યાં છે, કારણ કે જો કોઇ કર્મચારી કાર્યવાહીની વાત કરે તો તેની બદલી પણ થઇ જાય છે, આ એ જ ઉચ્ચ અધિકારી છે જેમના ઓર્ડરથી હાલમાં નવરાત્રીના ગરબાના આયોજકો પર તવાઇ આવી છે.આ અધિકારીનું પ્રમોશન નજીક આવતા અત્યારથી જ મલાઇદાર જગ્યા માટે સરકારમાં લોબિંગ ચાલુ કરી દીધું છે, જો કે સરકારે આવા અધિકારીઓથી ચેતવું જરૂરી છે, રાજ્ય સરકારની છબી આવા જ અધિકારીઓ ખરાબ કરી રહ્યાં છે, જે વાત સીએમ વિજય રૂપાણી અને નાણાંપ્રધાન નીતિન પટેલે સમજવી જરૂરી છે.

ઉચ્ચ અધિકારીને જલસા, સામાન્ય કર્મચારીઓની વારંવાર બદલી  

આશ્રમ રોડ પર આવેલી ઓફિસમાં ઉચ્ચ અધિકારી 7 વર્ષ કરતા વધુ સમયથી એક જ પોસ્ટ પર કામ કરી રહ્યાં છે, કદાચ તેઓ નેતાઓ અને વેપારીઓને સાચવતા હશે, તેને કારણે જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, પરંતુ થોડા સમય પહેલા જ સ્ટેટ જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટર કક્ષાના 300થી વધુ કર્મચારીઓની બદલી કરી દેવાઇ છે, ત્યાર બાદ પણ બદલીનો સિલસિલો ચાલુ જ છે, એક રીતે નેતાઓ અને કેટલાક મોટા વેપારીઓને સાચવનારા અધિકારીઓ વર્ષોથી એક જ જગ્યાએ બેસીને મલાઇ ખાઇ રહ્યાં છે અને ઇમાનદાર સામાન્ય કર્મચારીઓની વારંવાર બદલીઓ કરીને તેમને હેરાન કરવામાં આવી રહ્યાં હોવાનું ખુદ કર્મચારીઓ કહી રહ્યાં છે.

અલંગના 6000 કરોડ રૂપિયાના કૌભાંડમાં નામની જ રિકવરી 

એક ઉચ્ચ અધિકારીની કૃપાથી અલંગ અને ભાવગનરમાં બોગસ બિલિંગ કૌભાંડ ચાલી રહ્યાં હતા.બાદમાં એક ઇમાનદાર અધિકારીની મહેનતથી ત્યાં પડેલા દરોડામાં અંદાજે 6000 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતુ, તેમાં અત્યાર સુધી માત્ર નામની જ રિકવરી થઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે, મોટા માથાઓ ફરાર થઇ ગયા છે અને મજૂરી કામ કરનારા સામાન્ય લોકો ઝપેટમાં આવી ગયા છે, કરોડોના કૌભાંડમાં યોગ્ય પ્રમાણમાં રિકવરી નથી કરાતી અને ડિપાર્ટમેન્ટ સાચા આરોપીઓ સુધી પહોંચી પણ શકતું નથી, જેની પાછળ અધિકારીઓની જ રહેમ નજર હોવાની ચર્ચાઓ થઇ રહી છે, હાલમાં પણ અમદાવાદ સહિત 17 જગ્યાઓએ ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાદારીઓને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડ્યાં હતા, તેમા પણ એક ઉચ્ચ અધિકારીએ કૌભાંડીઓને મદદ કરી હોવાનું કર્મચારીઓમાં ચર્ચાઇ રહ્યું છે. એક રીતે આવા અધિકારીઓ જ રાજ્ય સરકારની તિજોરીને નુકસાન કરી રહ્યાં છે. 

કરચોરો-કૌભાંડીઓને ઝડપી પાડવા સોફ્ટવેર

સરકારની આવકમાં ઘટાડો થયા બાદ હવે જીએસટી વિભાગે કરચોરો અને કૌભાંડીઓને ઝડપી પાડવા માટે નવું જીએસટી એક સોફ્ટવેર બનાવ્યું છે, જેમાં જે તે વેપારીનો ડેટા એનાલીસિસ કરવામાં આવશે અને આશંકા જશે તો તેમના ધંધાના સ્થળે રેડ કરવામાં આવશે, તેના પર અમલ શરૂ થઇ ગયો છે, પરંતુ જ્યા સુધી વિભાગમાં વર્ષોથી એક જ જગ્યાએ અડ્ડો જમાવીને બેઠેલા ઉચ્ચ અધિકારીઓની બદલી નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર વધશે અને સરકારી તિજોરીને નુકસાન થતું જ રહેશે. 

રાજ્યોને માત્ર પાંચ વર્ષ કેન્દ્ર મદદ કરશે

રાજ્ય સરકારની SGSTની આવકમાં અંદાજે 258 કરોડ અને વેટની આવકમાં 373 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જે સરકાર માટે ચિંતાનો વિષય છે, કેન્દ્ર સરકારની જોગવાઇ મુજબ માત્ર પાંચ વર્ષ સુધી જ રાજ્ય સરકારને જીએસટીની ખાદ્ય ભરપાઇ કરાશે, પછી સરકારને કોઇ મદદ મળશે કે નહીં તેની કોઇ જોગવાઇ નથી, 3 વર્ષ પુરા થતા ગુજરાત સરકારને હવે 5 માંથી 2 વર્ષ સુધી જ કેન્દ્ર સરકારની આર્થિક મદદ મળશે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જો ટેક્સની આવક વધારવા માટે યોગ્ય પગલા નહીં ભરાય તો સરકારી તિજોરી ખાલી થતી જશે તે નક્કિ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

-->