Wed,15 July 2026,12:14 am
Print
header

પાટીદારોને રીઝવવા રાજકોટમાં ભાજપનો નવો દાવ, ભાજપ પ્રદેશ પ્રમુખે પાટીદાર અગ્રણી સાથે કરી બેઠક

  • Published By
  • 2026-06-16 18:54:10
  • /

રાજકોટઃ વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ એક પછી એક રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી, જે બાદ 16 જૂને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કડવા પાટીદાર અગ્રણી અને સિદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશ ઉકાણી સાથે તેમના નિવાસસ્થાને બંધ બારણે બેઠક યોજી હતી.

આગામી ચૂંટણી પહેલાં પાટીદાર સમાજને ભાજપ તરફ આકર્ષિત કરવા માટેની આ નવી કવાયત છે. વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ અગાઉથી જ ભાજપે પાટીદાર મતદારોને રીઝવવા માટે પોતાના પત્તા ખોલવાનું શરૂ કરી દીધું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મૌલેશ ઉકાણી સાથે ખાસ ખાનગી બેઠક યોજી હતી, ત્યાર બાદ ઉકાણી પરિવાર સાથે ભોજન પણ લીધું હતું. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન પ્રદેશ અધ્યક્ષની સાથે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રદેશ ભાજપ નેતા પ્રશાંત કોરાટ તથા સાંસદ પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યાં હતા

મૌલેશ ઉકાણી સાથેની બેઠક બાદ જગદીશ વિશ્વકર્મા રાજકોટ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ અને નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ- કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને તમામને જરૂરી માર્ગદર્શન અને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાની સમજ આપી હતી. નોંધનીય છે કે, શરૂઆતમાં આ બેઠકમાં મીડિયાના પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી.

આ પ્રવાસ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ સૌપ્રથમ સ્વ. જનક કોટકના પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવી હતી. જો કે, સમગ્ર મુલાકાત દરમિયાન જ્યારે મીડિયા દ્વારા તેમને ખેડૂત આંદોલન અને સુરત ડિમોલિશન અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે જવાબો આપવાનું ટાળ્યું હતું અને ત્યાંથી ચાલતી પકડી હતી.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નાયબ મુખ્યમંત્રીની ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથેની મુલાકાત અને હવે પ્રદેશ અધ્યક્ષની સિદસર ઉમિયાધામના પ્રમુખ સાથેની આ મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ભાજપે ચૂંટણીના એક વર્ષ અગાઉથી જ પાટીદાર કાર્ડ ખેલવાનું શરૂ કરી દીધું છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch