Thu,25 April 2024,5:33 am
Print
header

રાજ્યના પાંચ જિલ્લાઓમાં થઈ મેઘમહેર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની આગાહી- Gujaratpost

અમરેલી જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારથી ધોધમાર વરસાદની આગાહી

ગાંધીનગરઃ રાજ્યના પાંચ જિલ્લાઓમાં આજે મેઘમહેર થઈ છે.છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે બાબરા શહેર અને તાલુકાના ગામોમાં  ધોધમાર વરસાદ વરસ્યો હતો. જીવાપર, દરેડ, ગલકોટડી, ચમારડી,ખાખરિયા સહિતના ગામોમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. ખાંભા તાલુકાના ગામોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખાંભાના રાણીગપરા, રાયડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  

રાજકોટના ગોંડલ શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. કોલેજ ચોક, કપુરિયા ચોક, માંડવી ચોક, કૈલાસ બાગ અને રાધાકૃષ્ણ સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. ઓલપાડ, માંગરોળ, કામરેજ સહિત તમામ તાલુકામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલને લઈ ખેડૂતોમાં ખુશી છે.જો કે, ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વલસાડના ધરપમુરના આસુરા, મોટી ઢોલડુંગરી,  મોહનગઢ સહિતના ગામોમાં મેઘમહેર થઈ છે.ભરૂચ જિલ્લાના હાંસોટ અને અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારથી ધોધમાર વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં મૂશળધાર વરસાદની આગાહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch