Sat,13 June 2026,3:30 pm
Print
header

આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર

  • Published By
  • 2026-05-15 18:34:00
  • /

નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NEET પેપર લીક થયા બાદ વિદ્યાર્થઓની આત્મહત્યાને લઈને મોદી સરકાર સામે સવાલો ઉઠાવ્યાં છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં NEET પરીક્ષાના ઉમેદવાર ઋત્વિક મિશ્રા અને ગોવામાં એક વિદ્યાર્થીની આત્મહત્યાને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, હવે સ્પર્ધાત્મક પરીક્ષા નથી આપવી. લખીમપુર ખેરીના 21 વર્ષના ઋત્વિક મિશ્રાના આ અંતિમ શબ્દો હતા.ત્રીજી વખત NEET આપનાર આ વિદ્યાર્થી પરીક્ષા રદ થતાં જ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. ગોવામાં પણ એક NEET ઉમેદવારે પોતાનો જીવ આપી દીધો. આ વિદ્યાર્થીઓ પરીક્ષાથી હાર્યા નથી, તેમને એક ભ્રષ્ટ તંત્ર દ્વારા મારવામાં આવ્યાં છે. આ આત્મહત્યા નથી - આ સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી હત્યા છે.

રાહુલ ગાંધીએ આંકડા રજૂ કરતા જણાવ્યું કે, 2015 થી 2026 સુધી - 148 પરીક્ષા કૌભાંડો થયા. 87 પરીક્ષાઓ રદ થઈ, જેનાથી 9 કરોડ બાળકોનું ભવિષ્ય પ્રભાવિત થયું. 148 કૌભાંડોમાંથી માત્ર એકને સજા થઈ. CBI એ 17 કેસ હાથમાં લીધા, ED એ 11- પણ કોઈને સજા થઈ નથી. NEET, AIPMT અને અન્ય મેડિકલ પરીક્ષાઓમાં જ માત્ર 15 કૌભાંડો થયા છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું કે, સૌથી શરમજનક બાબત એ છે કે, આ કૌભાંડોમાં જવાબદાર કોઈ પણ અધિકારી કે મંત્રીએ રાજીનામું આપ્યું નથી. તેમને પદ પરથી હટાવવામાં આવે છે - અને પછી ચૂપચાપ મોટા પદ પર બેસાડી દેવામાં આવે છે. ચોરી કરાવનારાઓને ઇનામ મળે છે, અને પરીક્ષા આપનારા બાળકો પોતાનો જીવ ગુમાવે છે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે, મોદીજી - તમારી જવાબદારી જગાડવા માટે હજુ કેટલા ઋત્વિક જોઈએ ?

ઋત્વિક મિશ્રાએ લખીમપુર ખેરી સ્થિત પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હતી.પરિવારના જણાવ્યા અનુસાર, ઋત્વિકે 3 મેના રોજ કાનપુરમાં NEET-UG ની પરીક્ષા આપી હતી. પરીક્ષા રદ થયા બાદથી તે ખૂબ જ પરેશાન હતો અને માનસિક તણાવનો શિકાર બન્યો હતો. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

NEET પેપર લીક થયા બાદ સરકારે શું પગલાં લીધા ?

પરીક્ષા રદ અને નવી તારીખ: અનેક પરીક્ષા કેન્દ્રો પરથી પેપર લીકના આક્ષેપો બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 3 મેના રોજ આયોજિત કરાયેલી NEET-UG 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 21 જૂને ફરીથી લેવામાં આવશે.

CBI તપાસ: પ્રશ્નપત્ર લીક થવાના મામલાની તપાસ હાલમાં સીબીઆઈ કરી રહી છે, જે આ રેકેટની અને પેપર કેવી રીતે લીક થઈને વાયરલ થયું તે પદ્ધતિની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં, એજન્સીએ વિવિધ રાજ્યોમાં અનેક દરોડા પાડ્યા છે અને આ કેસના સંબંધમાં 7 લોકોની ધરપકડ કરી છે.

નવા નિયમોની જાહેરાત: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET પેપર લીક અંગે મોટો નિર્ણય લેતા જણાવ્યું કે, NEET UG પેપર રદ થયા બાદ સરકારે પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે. 21 જૂને ફરીથી પરીક્ષા લેવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું કે, આગામી વર્ષથી NEET UG પરીક્ષા પરંપરાગત OMR આધારિત પદ્ધતિના બદલે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch