Wed,15 July 2026,1:15 am
Print
header

પોલીસની નોકરી નહીં પણ 24 કલાકની સેવા છે, વર્દીનો વટ પાડવાની સાથે જમીન સાથે જોડાયેલા રહો: હર્ષ સંઘવી

  • Published By
  • 2026-07-08 19:16:04
  • /

આગામી સમયમાં હજારો પોલીસકર્મીઓની ભરતી કરાશેઃ સંઘવી

અમદાવાદઃ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવનિયુક્ત પીએસઆઈ (PSI) અને પોલીસ પરિવારના નવા સભ્યોને સંબોધિત કરતા અનેક મહત્વના નિવેદનો આપ્યાં હતા. આ સાથે જ તેમણે ભવિષ્યની નવી ભરતીઓને લઈને પણ મોટી જાહેરાત કરી હતી. નવનિયુક્ત ઉમેદવારોનું સ્વાગત કરતા તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે પોલીસને ગુનેગારોને સીધા કરવાની ફોર્સ માનવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં સામાજિક જીવનના દરેક તબક્કે અને મુશ્કેલીના સમયે જો કોઈ સૌથી પહેલાં પહોંચતું હોય તો તે પોલીસ છે.

તેમણે ઉમેર્યું કે, સરકારી નોકરી મેળવવી એ દરેકનું સપનું હોય છે. કેટલાક લોકો આને માત્ર એક નોકરી તરીકે જુએ છે, પરંતુ જેમને સામાન્ય નાગરિકોના હિતમાં કામ કરવું છે, તેમને આ ખાખી વર્દી થકી સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો મોટો અવસર પ્રાપ્ત થશે.

પોલીસની ફરજની કઠિનતા અને પડકારો સમજાવતા મંત્રીએ તાજેતરમાં જ સુરતમાં પડેલા ભારે વરસાદનો પ્રેરણાદાયી ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા ત્યારે પોલીસ જવાનો પોતે પાણીમાં ઉતરીને લોકોને ખભા પર બેસાડીને બચાવી રહ્યાં હતા. પોલીસની કોઈ શિફ્ટ નથી હોતી અને આ કોઈ કોર્પોરેટ જોબ નથી કે ટાઈમ-ટુ-ટાઈમ નોકરી કરીને ઘરે જતા રહીએ. આ ઘણી ચેલેન્જ સાથે જોડાયેલી 24 કલાકની નોકરી છે, જેમાં ગમે ત્યારે અને ગમે તે સમયે ઊભા થઈને દોડવા તૈયાર રહેવું પડે છે.

પોલીસકર્મીઓને પાયાની શિખામણ આપતા કહ્યું કે, ગામમાં વર્દી પહેરીને જશો એટલે વટ તો પડી જશે, પણ આ વટ પાડવામાં આપણે જમીન સાથે જોડાયેલા રહેવાનું છે. તમે જનતા સાથે જેટલા વધુ આત્મીયતાથી જોડાયેલા રહેશો, એટલા જ પોલીસના સોર્સ વધુ મજબૂત બનશે.

કાયદો તોડનારાઓ સામે કડક હાથે કામ લેવાની ખાતરી આપવાની સાથે તેમણે ભ્રષ્ટાચાર મુદ્દે કડક ચેતવણી આપી હતી. હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, સૌથી વધુ લાંચિયા અધિકારીઓને જો ગંગાજળ પીવડાવ્યું હોય તો તે આપણા મુખ્યમંત્રીએ કર્યું છે, માટે એ ગંગાજળ આપણા સુધી ન પહોંચે એ જવાબદારી તમારી રહેશે.

તેમણે કહ્યું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પૂરતા મહેકમમાં પોલીસફોર્સ હોવી અત્યંત અનિવાર્ય છે. આજે રાજ્યમાં જોવા મળતા હાઈટેક ભવનો, અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ પોલીસ સ્ટેશનો અને પોલીસકર્મીઓ માટેના આધુનિક આવાસો એ વાતની સાક્ષી પૂરે છે કે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના દિવસો હવે બદલાઈ ગયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch