Sat,08 August 2026,9:23 pm
Print
header

ફરી લજવાઈ પાટણની પ્રભુતા, રૂ. 5 હજાર માટે વિધવાને પેટ્રોલ છાંટી જીવતા સળગાવાયા

  • Published By dilip patel
  • 2026-07-15 17:52:05
  • /
  • શાકભાજી વેચીનેે બે માસૂમ બાળકોનું પેટ ભરતી હતી મહિલા
  • અમદાવાદમાં સારવાર દરમિયાન તોડ્યો દમ

અમદાવાદઃ પાટણ શહેરમાંથી વ્યાજખોરોના ત્રાસની મોટી ઘટના સામે આવી છે. માત્ર રૂ. 5000 ના વ્યાજની પઠાણી ઉઘરાણીના વિવાદમાં એક વિધવા મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી પીડિતાનું સારવાર દરમિયાન 13 જુલાઈના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસે હવે આ કેસમાં હત્યાની કલમ ઉમેરીને કાયદાકીય ગાળિયો મજબૂત કર્યો છે.

મૃતક પિંકીબેન ભરતભાઈ પટણી (ઉંમર 35 વર્ષ) પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાં રહેતા હતા. તેઓ વિધવા હતા અને છૂટક શાકભાજી અને ફ્રૂટ વેચીને પોતાના બે માસૂમ બાળકોનું ભરણ પોષણ કરતા હતા. આશરે એક મહિના અગાઉ ઘરખર્ચની જરૂરિયાત ઊભી થતાં તેમણે પડોશમાં જ રહેતા બાબુ શંકરભાઈ રાવળ પાસેથી રૂ. 5,000 ઉછીના લીધા હતા.

એક મહિનો પૂરો થતાં જ આરોપી બાબુભાઈ અવારનવાર રસ્તામાં લારી પર આવીને પણ મારું વ્યાજ લાવ, મારા પૈસા લાવ તેમ કહી ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરતો હતો અને પિંકીબેન પાસેથી થોડા-ઘણા પૈસા પડાવી જતો હતો.

12 જુલાઈ 2026ના રોજ આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. પિંકીબેન જ્યારે તેમના પરિચિત જીતુભાઈ પંચાલના ઘરે હતા, ત્યારે પૈસાની લેતી-દેતી બાબતે ઉગ્ર ચર્ચા થઈ હતી. પિંકીબેને પૈસા ચૂકવવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ વ્યાજખોર બાબુ ઉશ્કેરાઈ ગયો હતો.

તે ચા લેવાના બહાને બહાર ગયો અને હાથમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલી ડોલ લઈને પરત આવ્યો હતો. તેણે જીતુભાઈની ઓસરીમાં જ પિંકીબેન પર પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. પિંકીબેનને સળગાવવાના પ્રયાસમાં પ્રવાહી પોતાના પર પણ પડવાના કારણે આરોપી બાબુ રાવળ પોતે પણ આશરે 40 ટકા જેટલો ગંભીર રીતે દાઝી ગયો હતો.

પિંકીબેનને ગંભીર હાલતમાં તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મૃત્યુ પહેલાં પોલીસે હોસ્પિટલમાં જ પિંકીબેનનું નિવેદન નોંધી લીધું હતું, જે આ કેસમાં મહત્વનો પુરાવો બનશે. પાટણ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch