Sat,08 August 2026,10:13 pm
Print
header

PoK માં પાકિસ્તાની સેના બની ક્રૂર, ગોળીબારમાં બે દિવસમાં 30 લોકોનાં મોત, મૃતદેહો પણ ગાયબ કરી દેવાયા

  • Published By Panna Patel
  • 2026-07-29 09:40:01
  • /

ઇસ્લામાબાદ: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે પાકિસ્તાની સેના અને રેન્જર્સે ક્રૂર કાર્યવાહી ચાલુ રાખી છે. પાકિસ્તાની સુરક્ષા દળો વિરોધ કરી રહેલા લોકો પર સીધો ગોળીબાર કરી રહ્યાં છે. છેલ્લા બે દિવસથી સમગ્ર PoKમાં વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે અને રાત્રિના સમયે પણ દેખાવો થઈ રહ્યાંં છે. 

પાકિસ્તાની સેના અને સુરક્ષા દળો સામે લોકોમાં ભારે રોષ છે. કાશ્મીરમાં વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહેલી જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC) ના જણાવ્યાંં અનુસાર, પાકિસ્તાની સુરક્ષા દળોએ હજારો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે મંગળવારે 5 લોકોનાં મોત થયાં હતા. અગાઉ સોમવારે સુરક્ષા દળોના ગોળીબારમાં 25 પ્રદર્શનકારીઓ માર્યા ગયા હતા.

PoK દુનિયાથી કપાયું, ઇન્ટરનેટ સેવા સ્થગિત

જૂન મહિનાથી PoKમાં વિરોધ પ્રદર્શનો શરૂ હતા, આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત હોવાને કારણે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. આ વિસ્તાર બાકીની દુનિયાથી સંપૂર્ણપણે કપાઈ ગયો છે અને મોટા પાયે ધરપકડો થઈ રહી છે. દરમિયાન, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પાકિસ્તાની સત્તાવાળાઓ પાસે સંચાર પરના પ્રતિબંધો હટાવવાની માંગ કરી છે.

જોઈન્ટ એક્શન કમિટીના નેતૃત્વ હેઠળ પાકિસ્તાન-વ્યાપ્ત કાશ્મીરના લોકોએ વિવિધ માંગણીઓ કરી છે. જેમાં આ વિસ્તારમાંથી પાકિસ્તાની સેનાની પીછેહઠ અને ચૂંટણી સુધારણાનો સમાવેશ થાય છે, આ વિસ્તારમાં સોમવારે વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો યોજાયો હતો, જેનો સ્થાનિક જૂથોએ બહિષ્કાર કર્યો છે.

પાકિસ્તાની સેનાએ મૃતદેહોને ગાયબ કર્યા

JAAC ના પ્રવક્તા એસ.એ. ખાને પાકિસ્તાની સુરક્ષા દળો પર નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો અને પુરાવાનો નાશ કરવાનો આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું કે સુરક્ષા દળોએ મૃતદેહો હટાવી દીધા છે અને મીરપુરની હોસ્પિટલ બંધ કરાવી દીધી છે. અમારી પાસે રસ્તાઓ પર લોહીના ખાબોચિયામાં પડેલા મૃતદેહોના ફોટોગ્રાફિક અને વીડિયો પુરાવા છે. પુરાવાનો નાશ કરવા માટે સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી મૃતદેહો હટાવી દીધા હતા.

PoKમાં પાકિસ્તાન દ્વારા થતા શોષણનો અંત લાવવા માટે JAACએ કેટલીક માંગણીઓ કરી છે. તેમાંથી કેટલીક મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે.

1- મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, ન્યાયાધીશો અને અમલદારોની વિશેષાધિકારો નાબૂદ કરવા
2- પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની વિધાનસભામાં પાકિસ્તાનમાં રહેતા શરણાર્થીઓ માટે અનામત 12 બેઠકો રદ કરવી
3- સૌને માટે મફત અને સમાન શિક્ષણ પૂરું પાડવું તથા વિદ્યાર્થી સંઘોને પુનઃસ્થાપિત કરવા
4- PoKમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવું
5- સરકારી નોકરીઓમાં શરણાર્થીઓ માટેનો ક્વોટા નાબૂદ કરવો અને ક્વોટા પ્રથાનો અંત લાવવો
6- વીજળી અને ઘઉં- લોટના મુદ્દાઓ અંગે આપેલા વચનો પૂરા કરવા
7- જોઇન્ટ અવામી એક્શન કમિટીના કાર્યકરો સામેના પોલીસ કેસો પાછા ખેંચવા
8- કઠોર કાયદાઓ અને દમનકારી બાહ્ય સુરક્ષા પગલાં રદ કરવા
9- સ્થાનિક ઉત્પાદન ખર્ચના આધારે વીજળીના દરમાં ઘટાડો કરવો
10- નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું અને JAAC સાથે થયેલા તમામ અગાઉના કરારોનો અમલ કરવો

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch