Wed,16 September 2026,3:49 pm
Print
header

પાકિસ્તાન આર્મી ચીફ આસિમ મુનીર સામે જુનિયર ઓફિસરોમાં વિરોધ, હેડક્વાર્ટરની સુરક્ષા માટે સેનાની 3 ટુકડીઓ તહેનાત

  • Published By dilip patel
  • 2026-08-23 09:55:55
  • /
  • બળવાની આશંકા બાદ સૈનિકો તૈનાત કરાયા 
  • મુનીરનો 2030 સુધી પદ પર યથાવત રહેવાનો માર્ગ મોકળો
  • રાવલપિંડીમાં તણાવપૂર્ણ સ્થિતિ

લાહોરઃ પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને મળેલી અમર્યાદ સત્તાઓ સામે સેનાના તાબા હેઠળના જુનિયર રેન્કના અધિકારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ગૃહ મંત્રાલયે રાવલપિંડી સ્થિત સૈન્ય મુખ્યાલયની સુરક્ષા માટે સેનાની ત્રણ કંપનીઓ તહેનાત કરવી પડી છે. આ તહેનાતી આગામી છ મહિના માટે કરવામાં આવી છે.જો કે, સરકારે તેને રાજકીય આક્રોશને કારણે સર્જાતી સંવેદનશીલ સ્થિતિને પહોંચી વળવાનો પ્રયાસ ગણાવ્યો છે.

ગૃહ મંત્રાલયે સેનાની તહેનાતીનો આ આદેશ બંધારણની કલમ 245 હેઠળ આપ્યો છે, જે નાગરિક વહીવટીતંત્રની મદદ માટે સશસ્ત્ર દળોની તહેનાતી કરવાનો અધિકાર આપે છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, તાજેતરમાં પસાર થયેલા 27 મા બંધારણીય સુધારા અને નવા ડિફેન્સ ફોર્સીસ એક્ટ બાદ આસિમ મુનીરને અભૂતપૂર્વ સત્તાઓ મળી ચૂકી છે. આ નવા માળખા હેઠળ મુનીર પાસે હવે થલસેના, નૌકાદળ અને વાયુસેના એમ ત્રણેય પાંખો પર સંપૂર્ણ નિયંત્રણ આવી ગયું છે.

મુનીર પાસે હવે કોઈ પણ અધિકારી કે જવાનને સેવામાંથી બરતરફ કરવા અને ફરજિયાત નિવૃત્ત (રિટાયર) કરવાના વિશેષ અધિકારો આવી ગયા છે, જેના કારણે જુનિયર અને તાબા હેઠળના રેન્કના અધિકારીઓ ગૂંગળામણ અનુભવી રહ્યાં છે. આ આંતરિક અસંતોષને પગલે સૈન્ય નેતૃત્વને સંભવિત બળવાની આશંકા પણ સતાવી રહી છે.

તાજેતરના સુધારાઓ બાદ મુનીરનો વર્ષ 2030 સુધી પદ પર યથાવત રહેવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આટલું જ નહીં, તેમને આજીવન કાનૂની કાર્યવાહીમાંથી મુક્તિ પણ મળી ગઈ છે. ત્રણેય સેનાના જવાનોને લાગી રહ્યું છે કે તેમની સ્થિતિ હવે બંધુઆ મજૂર જેવી બની ગઈ છે.

રાવલપિંડીમાં સેનાની આ તાજી તહેનાતી એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલાં જ શહેરના મોલ રોડ પર સુરક્ષા દળો પર હુમલો થયો હતો, જેમાં એક શંકાસ્પદને ઠાર મરાયો હતો. સરકારી વર્તુળોએ તેને ઈમરાન ખાનની પાર્ટી PTI સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો, જેને પક્ષે સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. રાવલપિંડીમાં જ સેનાનું હેડક્વાર્ટર આવેલું છે અને અદિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં પ્રશાસન કોઈપણ અનિચ્છનીય ઘટના રોકવા સંપૂર્ણ સાવચેતી રાખી રહ્યું છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch