Wed,18 February 2026,12:47 pm
Print
header

પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાના પ્રયાસથી વિવાદ - Gujarat Post

  • Published By dilip patel
  • 2026-01-27 18:03:28
  • /

જૂનાગઢ: સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ કલા જગતમાં રોશન કરનારા અને તાજેતરમાં જ જેમને પદ્મશ્રી એવોર્ડનું સન્માન મળ્યું છે, તેવા ખ્યાતનામ કલાકાર હાજી કાસમ રાઠોડ ઉર્ફે 'હાજી રમકડું' ના નામને મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

જૂનાગઢના વોર્ડ નંબર 8 માં છેલ્લા 60 વર્ષથી રહેતા હાજી રમકડુંના નામ સામે ભાજપના કોર્પોરેટર સંજય મણવરે વાંધા અરજી (ફોર્મ નંબર 7) દાખલ કરી છે. કોર્પોરેટરના જણાવ્યાં મુજબ, હાજીભાઈના આધારકાર્ડમાં તેમની અટક 'મીર' છે, જ્યારે મતદાર યાદીમાં તેમનું નામ 'હાજીભાઈ રાઠોડ' તરીકે નોંધાયેલું હતું. આ નામ શંકાસ્પદ લાગતા તેમણે આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.

હાજી રમકડુંએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હું વર્ષોથી અહીં રહું છું. ભારત સરકાર અને ગુજરાત સરકારે પણ મને સન્માનિત કર્યો છે. પદ્મશ્રી જેવા સર્વોચ્ચ એવોર્ડ માટે મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નામ સામે વાંધો ઉઠાવવો કેટલો યોગ્ય ? મારામાં એવી શું કમી છે કે આ રીતે હેરાન કરવામાં આવે છે ?

વિવાદ વધતા કોર્પોરેટર સંજય મણવરે સ્પષ્ટતા કરી કે, હાજીભાઈ જૂનાગઢ અને રાષ્ટ્રનું ગૌરવ છે, અમારો હેતુ તેમનું નામ કમી કરવાનો નથી. તેમની અટક 'મીર' હોવા છતાં 'રાઠોડ' નામથી મતદાર યાદીમાં એન્ટ્રી હતી, જે ટેકનિકલ રીતે ખોટી છે. કોઈ અન્ય વ્યક્તિ આ નામે મતાધિકારનો દુરુપયોગ ન કરે તે માટે અમે સાવચેતીના ભાગરૂપે અરજી કરી છે. તંત્રએ આમાં સુધારો કરી 'મીર' અટક સાથેનું નવું ચૂંટણી કાર્ડ બનાવી આપવું જોઈએ.

આ મુદ્દે કોંગ્રેસે પણ મેદાને આવીને સરકાર અને તંત્ર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે, "જો ગુજરાતના આટલા નામાંકિત અને પદ્મશ્રી કલાકાર સાથે આવું વર્તન થતું હોય, તો સામાન્ય નાગરિકોની સ્થિતિ શું હશે ? હાલમાં આ મામલો તંત્ર સમક્ષ છે અને દસ્તાવેજોની ચકાસણી બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch