Sat,14 March 2026,2:02 am
Print
header

આતંકવાદ સામેની લડાઈમાં મિત્ર દેશોનો સાથ જરૂરીઃ મલેશિયામાં બોલ્યા પીએમ મોદી

  • Published By
  • 2026-02-08 10:21:32
  • /
  • ભારત-મલેશિયા સંબંધોના નવા અધ્યાયની શરૂઆત
  • વેપાર, ટેકનોલોજી અને સુરક્ષામાં વધતો સહયોગ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ભારત અને મલેશિયા તેમના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક અસ્થિરતાના સમયમાં બંને દેશો વચ્ચેનો સહયોગ વધુ જરૂરી બન્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમને મલેશિયામાં ભારતીય પ્રવાસી સમૂદાયને મળવાની તક મળી, જે તેમના માટે ખૂબ જ ખાસ અનુભવ રહ્યો. તેમણે ઉમેર્યું કે પ્રવાસી ભારતીયોમાં મલેશિયાના નેતૃત્વ પ્રત્યે સન્માન અને આત્મીયતા સ્પષ્ટ દેખાય છે, જેના પર તેમને ગર્વ છે. તેમણે વધુમાં જણાવ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં મિત્ર દેશોનું સમર્થન અત્યંત મહત્વનું છે. ભારત અને મલેશિયા બંને માને છે કે બંને દેશોની સમૃદ્ધિ એકબીજા સાથે જોડાયેલી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને મલેશિયા બંને દરિયાઈ પડોશી દેશો છે અને આ વૈશ્વિક અસ્થિર વાતાવરણમાં તેમણે પોતાના સંબંધોની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આજે ભારત અને મલેશિયા વચ્ચે કૃષિ, મેન્યુફેક્ચરિંગ, સ્વચ્છ ઉર્જા અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં સહયોગ સતત મજબૂત થઈ રહ્યો છે. તેમણે માહિતી આપી કે કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં પણ બંને દેશો મહત્વના ભાગીદાર છે. સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પણ સતત ગાઢ બની રહ્યો છે.

પીએમ મોદીએ ASEAN ના અધ્યક્ષપદ માટે મલેશિયાને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે મલેશિયાના સહયોગથી ભારત-ASEAN સંબંધો વધુ મજબૂત બનશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત-મલેશિયા સંબંધોની અસલી તાકાત લોકો વચ્ચેના સંપર્કમાં છે. આશરે 30 લાખ મલેશિયન નાગરિકો ભારતીય મૂળના છે, જે બંને દેશો વચ્ચે એક જીવંત સેતુ સમાન છે.

તેમણે જણાવ્યું કે મલેશિયાની આ તેમની ત્રીજી મુલાકાત છે અને અનવર ઈબ્રાહિમ સાથેની આ ચોથી મુલાકાત છે, જે બંને દેશોના સંબંધોની મજબૂતી દર્શાવે છે. પીએમ મોદીએ કહ્યું કે વિતેલા વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોની ગતિ અને ઊંડાણ પ્રેરણાદાયી રહ્યા છે અને આ માટે તેમણે મલેશિયાના વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે પીએમ મોદીનું સ્વાગત કરતા કહ્યું કે બંને દેશોના સંબંધો ખૂબ જ સારા છે. તેમણે જણાવ્યું કે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે, જેને બંને દેશોની ટીમો આગળ વધારશે. અનવર ઈબ્રાહિમે કહ્યું કે તેઓ તમામ ક્ષેત્રોમાં વધુ સહયોગની આશા રાખે છે અને આ મુલાકાત તેમના માટે વ્યક્તિગત રીતે પણ ખૂબ મહત્વની છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch