Wed,15 July 2026,12:56 am
Print
header

દક્ષિણ ગુજરાતને રૂ.18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ સુરતથી આપ્યો પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર

  • Published By Panna Patel
  • 2026-06-05 17:54:53
  • /
  • કેમ છો બધા, આપણું સુરત મજામાં ને, આત્મીય સંવાદ સાથે વડાપ્રધાને સુરતીઓના જુસ્સાને બિરદાવ્યો
  • પ્લેગની મહામારીમાંથી બહાર આવીને સુરત આજે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યુંઃ મોદી

સુરતઃ વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પહોંચ્યાં હતા. સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ પીએમ મોદી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો પ્લાન્ટની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં વડાપ્રધાને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ (સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા) માટે અંદાજીત રૂ. 18,778 કરોડના ખર્ચે 8 વિવિધ વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ. 13,926 કરોડના કાર્યોનું લોકાર્પણ અને રૂ. 4,852 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆત અત્યંત આત્મીયતાપૂર્વક કરી, કહ્યું કેમ છો બધા, આપણું સુરત મજામાંને, તેમણે ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, એક સમયે પ્લેગ જેવી ગંભીર મહામારીથી પ્રભાવિત થયેલું સુરત આજે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં મોખરે છે. સુરત સતત સફાઈ અભિયાનને પ્રાથમિકતા આપી રહ્યું છે. સુરતના 1 લાખ લોકોએ 5 દિવસ સુધી ચલાવેલા સફાઈ અભિયાન અને કચરાના નિકાલના પ્રયાસોને પીએમએ પોતાની માટે 'સૌથી મોટી સોગાત' ગણાવી સુરતવાસીઓનો આભાર માન્યો હતો.

પીએમ મોદીએ જણાવ્યું કે, પહેલા કોરોના અને પછી વૈશ્વિક યુદ્ધોને કારણે દુનિયાભરમાં ઊર્જા સંકટ ઊભું થયું છે, પેટ્રોલના ભાવ ડગમગી રહ્યાં છે અને સપ્લાય ચેન ધ્વસ્ત થઈ ગઈ છે. પરંતુ 140 કરોડ ભારતીયોના સંયુક્ત પ્રયાસોથી દેશ આવા દરેક સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, દુનિયા હવે ગ્રીન ફ્યુચર તરફ આગળ વધી રહી છે અને ભારત પણ પ્રકૃતિ સાથે પ્રગતિના મંત્ર સાથે ગ્રીન ગ્રોથની દિશામાં કામ કરી રહ્યું છે.

વડાપ્રધાને સુરતના વિકાસ કાર્યોની પ્રશંસા કરતા મુખ્ય મુદ્દાઓ રેખાંકિત કર્યા હતા. તેમણે જણાવ્યું, સુરતમાં વેસ્ટ વોટરને ટ્રીટ કરીને ઈન્ડસ્ટ્રીઝને સપ્લાય કરવામાં આવે છે, જે દૂષિત પાણીના મેનેજમેન્ટની સાથે કમાણીનો પણ સ્ત્રોત બન્યું છે. આગામી અનેક દાયકાઓ સુધી સુરત માટે પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત થઈ ગઈ છે.

સુરત હવે એ દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાં રસ્તા પર દોડતી તમામ બસો સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક હશે.  સુરત મેટ્રોના વિસ્તારની સાથે આગામી સમયમાં હજીરા ઈન્ડસ્ટ્રીયલ એરિયા ગ્રીન સ્ટીલના ઉત્પાદન માટે વૈશ્વિક સ્તરે જાણીતો બનશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch