Wed,15 July 2026,12:32 am
Print
header

ઓપરેશન ડેલ્ટા હન્ટ: ગુજરાતમાં ગેરકાયદેસર વસતા 501 બાંગ્લાદેશીઓની અટકાયત

  • Published By dilip patel
  • 2026-06-04 17:28:39
  • /
  • અમદાવાદમાં આંકડો 192 પર પહોંચ્યો

ગાંધીનગરઃ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓએ ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું છે, જે હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં 501 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત  કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોમાં 100થી વધુ મહિલાઓ અને 30 બાળકોનો સમાવેશ થાય છે.

હાલમાં 100 જેટલા શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ ઓપરેશન હજુ પણ ચાલુ છે, જેથી આગામી દિવસોમાં ધરપકડનો આંકડો વધી શકે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં જ આંકડો 192 પર પહોંચી ગયો છે. 2 જૂને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ વિસ્તારોમાંથી 166 બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી. 3 જૂને ઓપરેશન ચાલુ રાખીને વધુ 16 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓને હાલ ડિટેન્શન સેન્ટર મોકલી આપવામાં આવ્યાં છે.

પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં કન્સ્ટ્રક્શન સાઈટ, ઝૂંપડપટ્ટીઓ, ભાડાના મકાનો અને મજૂરી કામના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.  અનેક બાંગ્લાદેશી નાગરિકો વર્ષોથી ભારતના ખોટા ઓળખપત્રો, મતદાર કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો બનાવીને અહીં રહેતા હતા અને મજૂરી કે ફેક્ટરીઓમાં કામ કરતા હતા.

પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ લોકોના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ ગેરકાયદેસર રહેવાસીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવનાર, આશ્રય આપનાર અને ખોટા સ્થાનિક દસ્તાવેજો બનાવી આપનાર એજન્ટો તથા સ્થાનિક મદદગારો સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch