Sat,08 August 2026,10:04 pm
Print
header

NEET પેપર લીક મુદ્દે ગુજરાતમાં રાજકારણ ગરમાયું: કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ- કોંગ્રેસના કાર્યકરો સામ સામે

  • Published By dilip patel
  • 2026-07-22 16:30:52
  • /
  • દિલ્હીમાં પ્રદર્શન બાદ ગુજરાતમાં રાજકીય ગરમાવો
  • પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ડ્રોનથી નજર

અમદાવાદઃ દિલ્હીમાં NEET પેપર લીક મુદ્દે રાહુલ ગાંધીના નેતૃત્વમાં વડાપ્રધાન નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓની અટકાયત થઇ હતી, બાદમાં તેમને છોડી મુકાયા હતા. હવે આ મામલાની આગ ગુજરાતમાં પણ પહોંચી છે. અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની સામે ભાજપના કાર્યકર્તાઓએ મોરચો માંડ્યો છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકરો પ્લે કાર્ડ સાથે કોંગ્રેસ કાર્યાલય બહાર પહોંચ્યાં હતા અને કોંગ્રેસ હાય હાય, રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી રસ્તા પર બેસી ગયા હતા. સામે કોંગ્રેસના કાર્યકરોએ પણ મોદી- શાહ હાય હાય જેવા નારા લગાવતા સ્થિતિ તંગ બની હતી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે બેરિકેડ્સ મૂકી આખો વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. JCP, DCP સહિત મોટો પોલીસ કાફલો તૈનાત કરાયો હતો અને ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું, કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘર બહાર ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો તે સમગ્ર દેશની જનતાનું અપમાન છે. મોદી કોઈ એક પક્ષના કે દળના નેતા નથી, તેઓ 140 કરોડ જનતાના પ્રધાનમંત્રી છે. દેશના લોકોનું ગૌરવ વધે તેવા કામો કરીને ભાજપ સરકાર આગળ વધી રહી છે ત્યારે હારેલી કોંગ્રેસ નાટકો કરી રહી છે. આ પતન માટે જવાબદાર રાહુલ બાબા જ છે. દેશનો યુવા તેમને ક્યારેય માફ નહીં કરે. નીટ મુદ્દે ચર્ચા કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશની જનતાને ભ્રમિત કરે છે. રાહુલ ગાંધીએ સંવિધાનનું અપમાન કર્યું છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર તીખા પ્રહારો કરતાં જણાવ્યું કે, ભાજપ શાસનમાં શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ ભ્રષ્ટ થઈ ગઈ છે અને વારંવાર પેપરો લીક થઈ રહ્યાં છે. પેપર લીકના કારણે 20 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, છતાં સરકાર મૌન છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પોલીસ દ્વારા ગેરવર્તણૂંક કરવામાં આવી છે. કોંગ્રેસે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અને વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch