Sat,13 June 2026,2:34 pm
Print
header

કચ્છના દરિયામાંથી રૂ. 1180 કરોડનું કોકેઈન ઝડપાયા બાદ NIAની એન્ટ્રી

  • Published By dilip patel
  • 2026-05-30 15:56:00
  • /

ગાંધીનગરઃ ગુજરાતના દરિયા કિનારેથી ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયેલા રૂ. 1180 કરોડની કિંમતના 118 કિલો કોકેઈન કેસમાં  મોટો વળાંક આવ્યો છે. આ કેસની ગંભીરતા અને વિદેશી કનેક્શનને જોતા હવે દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તપાસનો દોર પોતાના હાથમાં લીધો છે. NIAની એન્ટ્રી સાથે જ હવે આ કેસ માત્ર સ્મગલિંગ પૂરતો સીમિત ન રહેતા આંતરરાષ્ટ્રીય નાર્કો ટેરર, વિદેશી ફંડિંગની દિશામાં આગળ વધ્યો છે.

તપાસ એજન્સીઓના જણાવ્યાં અનુસાર, ઓપરેશન દરમિયાન દરિયામાં ભારે સસ્પેન્સ જોવા મળ્યું હતું. ગુજરાત ATSએ દરિયામાંથી એક આરોપીને દબોચી લીધો હતો, પરંતુ અન્ય એક આરોપી એજન્સીને થાપ આપીને દરિયામાં કૂદી પડ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ, આ ફરાર આરોપી પાસે આ ડ્રગ્સ નેટવર્કની સૌથી મહત્વની કડીઓ અને વિગતો હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત, પકડાયેલા જથ્થામાંથી કેટલાક પેકેટ હજુ પણ ગુમ છે, જે  દરિયામાં ફેંકી દીધું હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં જે રૂટ સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. કોકેઈનનો આ જથ્થો બ્રાઝીલથી લોડ કરવામાં આવ્યો હતો. ત્યાંથી લેટિન અમેરિકા, મેક્સિકો, અમેરિકા અને પાકિસ્તાનના કરાંચી થઈને આ ખેપ ગુજરાતના મુંદ્રા નજીક પહોંચી હતી. કાર્ગો શિપમાંથી આ જથ્થો નાની બોટમાં ટ્રાન્સફર કરીને વાયા ગુજરાત થઈ દિલ્હી પહોંચાડવાનો માસ્ટર પ્લાન હતો.

આ કેસના તાર છેક દેશની રાજધાની દિલ્હી સુધી જોડાયેલા છે. ગુજરાત ATSએ આ મામલે કાર્યવાહી કરીને દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આશરો લઈ રહેલા બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય સ્મગલરોની સીધી સંડોવણીને કારણે કેસ વધુ પેચીદો બન્યો છે.

એજન્સીઓ માને છે કે 118 કિલો કોકેઈનની ખેપ પાછળ માત્ર 3- 4 લોકોનો હાથ હોઈ શકે નહીં. તેની પાછળ કોઈ ગ્લોબલ ડ્રગ્સ કાર્ટેલ (કંપની) કામ કરી રહી છે. NIA મુખ્યત્વે  બ્રાઝીલથી ભારત સુધી આ સિન્ડિકેટ કોણ ઓપરેટ કરતું હતું ? આટલા મોટા જથ્થા માટે કરોડો રૂપિયાનું ફંડિંગ ક્યાંથી આવ્યું અને નફાના નાણાં ક્યાં જવાના હતા ? દિલ્હી સિવાય ભારતના અન્ય કયા મહાનગરોમાં આ ડ્રગ્સ સપ્લાય થવાનું હતું અને ભારતમાં તેનો મુખ્ય હેન્ડલર (રિસીવર) કોણ છે ? તેના પર તપાસ કેન્દ્રિત કરશે.

NIA અને ATSના સંયુક્ત ઓપરેશન બાદ આગામી દિવસોમાં દેશના અન્ય રાજ્યોમાં પણ દરોડા પડી શકે છે. ડ્રગ્સ માફિયાઓના આ મજબૂત નેટવર્કને તોડવા માટે એજન્સીઓ ફૂલ એક્શન મોડમાં છે, જેને જોતા આગામી સમયમાં કેટલાક હાઈપ્રોફાઈલ નામો સામે આવે અને વધુ ધરપકડો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch