આઝાદીના પર્વ પર અમેરીકા ખાતે આધ્યાત્મિક યાત્રાનાં અવિસ્મરણીય પડાવ સમી રામકથાનો આરંભ થયો
ઐતિહાસિક યુનિવર્સિટીની આધ્યાત્મિક યાત્રામાં મોટી સંખ્યામાં કથાકારો, સાહિત્યકારો, વિદ્વાનો, વિચારકો સામેલ થયા.
અમદાવાદઃ હાર્વર્ડમાં હાર્ડવર્ક અને હાર્ટવર્ક વિશ્વવિદ્યાલયોનું જાણે મિલન સર્જાયું ! પોતાના તિરસ્કારને પકડી રાખી એનું રક્ષણ કરે એ ગ્રંથિ,એ માંથી સ્વીકાર તરફ મોકળો માર્ગ બનાવે એ ગ્રંથ છે. "મારું કોઈ મિશન નથી પણ મીઠો મનોરથ છે કે હૃદય વિચારક બને બુદ્ધિ ગુણાતિત થઈ જાય." શબ્દ કૃત્ય ન બને ત્યાં સુધી વાત બનતી નથી, આ સેવનીય શાસ્ત્ર છે લૌકિક-અલૌકિકને છોડીને મૌલિક થઈ જવું ખૂબ સારું રહેશે.
ભારતના 80 મા સ્વતંત્રતા દિવસ-15 ઓગસ્ટનો દિવસે મોરારી બાપુની આધ્યાત્મિક યાત્રાની એક મહત્વની કડી જેવો દિવસ બન્યો, જ્યારે સેન્ડર્સ થિયેટર મેમોરિયલ હોલ-હાર્વર્ડ યુનિવર્સિટી- અમેરીકા ખાતે બાપુની રામકથાની ચોપાઈ તલગાજરડી વ્યાસપીઠથી ગુંજી ઊઠી.
બીજી પંક્તિ: ગુર પ્રસાદ સબ જાનિઅ રાજા, કહિઅ ન આપન જાન્ અકાજા -બાલકાંડ-164 મખ રખવારી કરિ દુહું ભાઇ; ગુરુ પ્રસાદ સબ બિદ્યા પાઇ -બાલકાંડ-357 સહિત સમાજ તુમ્હાર હમારા; ઘર બન ગુર પ્રસાદ રખવારા -અયોધ્યા કાંડ-306
અમેરીકા ખાતે 15 મી ઓગસ્ટનાં સાંજથી મોરારી બાપુની 982 મી રામકથાનો આરંભ થયો. દીપ પ્રજ્વલન અને વેદનાં ઘનપાઠની વિધિ પછી આયોજકો દ્વારા તેમજ મનોરથી લોર્ડ ડોલર પોપટ દ્વારા સ્વાગત વિધિ થઇ, રતથી પધારેલા સંતો- મહંતો, કથા વાચકો, હાર્વર્ડનાં ઐતિહાસિક સભાગારમાં સ્કોલરની ભવ્ય બેઠક વ્યવસ્થાની બેંચ પર શ્રોતાઓએ સ્થાન ગ્રહણ કર્યું, ત્યારે વિશ્વવિખ્યાત વિન્ટેજ હેરિટેજ જેવા સેન્ડર્સ હોલમાં હાર્વર્ડમાં હાર્ડવર્ક અને હાર્ટવર્ક(બાપુ) વિશ્વવિદ્યાલયોનુ જાણે મિલન સર્જાયું !
વિશ્વ વિદ્યાલયનાં આંગણામાં પવિત્ર શ્રાવણ મહિનામાં રામકથાનો આરંભ થયો, અહીં આવી શક્યા એ કથાકારો,સાહિત્યકારો,વિચારકો સામે બાપુએ કહ્યું કે આજે રાષ્ટ્ર અને વિશ્વને સાધુભાષાની જરૂર છે. પાવન પોપટ, ડોલર પોપટ, સંધ્યાબેન, રુપિન અને શિવાંગ- આખા પરિવારે અજબ કામ કર્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં હાર્ડવર્ક અને હાર્ટવર્કનાં કારણે આ થયું છે.
ગુજરાતથી આવેલા સુભાષ ભટ્ટ, નેહલ ગઢવી, જય વસાવડાએ સનાતન મંદિરમાં પ્રવચન કર્યું ત્યારે જ જાણે મંગલાચરણ થઈ ગયું એમ કહી બાપુએ કહ્યું કે લૌકિક-અલૌકિકને છોડીને જે મૌલિક થઈ જાય છે એ ખૂબ સારું રહેશે. અહીંથી મોટી સંખ્યામાં અનેક ગુરુઓ થયા હશે,કેટલાય રાજનેતાઓ, નોબલ પુરસ્કાર વિજેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ અહીં ભણ્યા છે. બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં અલગ-અલગ 33 વખત પ્રસાદ શબ્દમાં ત્રણ વખત 'ગુરુપ્રસાદ' શબ્દ આવ્યો છે એના ઉપર સંવાદ કરીશું .વિશ્વને પણ સંવાદની જરૂર છે. માનસમાં જ્ઞાન,ભક્તિ,કર્મ અને ઉપાસનાનાં ઘાટ પર સંવાદ થયા છે.
યુનિવર્સિટીમાં રામકથા ? સ્વાભાવિક પ્રશ્ન છે. પણ સાહિત્ય આને મહાકાવ્ય કહે છે તો એ યુનિવર્સિટીમાં થાય અને ગોસ્વામીજી માત્ર મહાકાવ્ય નહીં મહામંત્ર કહે છે. ગ્રંથ,ગ્રંથિ મુક્ત છે. આ ગ્રંથ નહીં સદગ્રંથ છે,ત્રિભુવનીય વિચાર છે, વૈશ્વિક વિચાર છે.આપણે પૂજન કરીએ છીએ,સેવન નથી કરતા.શબ્દ કૃત્ય ન બને ત્યાં સુધી વાત બનતી નથી,આ સેવનીય શાસ્ત્ર છે. સત્ય-પ્રેમ-કરુણા માનસની પ્રસ્થાનત્રયિ છે.પોતાના તિરસ્કારને પકડી રાખી એનું રક્ષણ કરે એ ગ્રંથિ,એમાંથી સ્વીકાર તરફ મોકળો માર્ગ બનાવે એ ગ્રંથ છે.આનું માહાત્મ્ય મહિમા ગાન તો છે જ પણ વક્તા ગ્રંથનો પરિચય પણ કરાવે છે.
આપણને પૂર્વગ્રહની ગ્રંથિ,હિનગ્રંથિ,લઘુતાગ્રંથિનો પરિચય છે. સમ્રાટ અશોકને પાંચ પત્ની હતી.ત્રીજી પત્નીનું નામ પદ્માવતી,પાંચમી પત્નીનું નામ હતું: તિરસ્યરક્ષિતા-તિરસ્કારનું જે રક્ષણ કરે છે એ. પદ્માવતીનો એક પુત્ર જેનું નામ કૃણાલ હતું. જેની આંખો ખૂબ સુંદર હોય એને કૃણાલ કહે છે. એ યુવાન હતો.પાંચમી માતા પણ ખૂબ સુંદર હતી અને કૃણાલ તરફ આકર્ષિત થઈને કહે છે કે તારી આંખો ખૂબ સુંદર છે.વશીભૂત રાજાએ આ જોઈને કૃણાલની આંખો ફોડાવી દીધી, એ પછી તિરસ્યરક્ષિતાને પણ મારી નાંખવામાં આવી. આ વૃત્તિ મરવી જ જોઈએ. કૃણાલને ભગવાન બુદ્ધ પાસે લઈ જવામાં આવ્યો, ભગવાન બુદ્ધની કરુણા ભરી દૃષ્ટિ,જેમ બાર મેઘની જેમ ગુરુની બાર કૃપા હોય,બુદ્ધની દ્રષ્ટિથી કૃણાલ દેખતો થયો એવી કથા છે.
અહિં સાત સોપાન,પહેલા સોપાનનાં સાત મંત્રો બાદ લોકબોલીમાં પાંચ સોરઠાઓમાં તુલસીએ પાંચ દેવોની વંદના કરી.શંકરાચાર્ય વિચારને સેતુબંધ કર્યો એ પછી ગુરુવંદના થઈ. બાપુએ કહ્યું કે મારું કોઈ મિશન નથી પણ મીઠો મનોરથ છે કે હૃદય વિચારક બને બુદ્ધિ ગુણાતિત થઈ જાય. ગુરુ પદકંજના અસંગ ચરણોમાં વંદન,આવા ગુરુમાં પાંચેય દેવો આવી જાય છે.પછી રામાયણનાં પાત્રો માતૃરૂપા કૌશલ્યા આદિ રાણીઓ સાથે-સાથે દુર્જનો અસુરો સહિત બધાની વંદના કરી અંતે પરિવારનાં સભ્ય જેવા હનુમાનજીની વંદના સાથે આજની કથાનો વિરામ થયો.
કથા વિશેષ: આ રામકથા રૂપી આધ્યાત્મિક યાત્રા ઘણી બધી રીતે વિશિષ્ટ છે. બાપુની આ કથા,કથાક્રમની 982 ની રામકથા છે. આ કથાનાં મનોરથી અમેરીકા સ્થિત લોર્ડ ડોલર પોપટ પરિવાર છે. યોગાનુયોગ શુભ સંયોગ એ છે કે આ રામકથાનું ગાન વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીનાં સ્થાન પરથી ભારતનાં સ્વતંત્રતા દિવસ પર્વનાં દિવસે શરૂ થઈ રહ્યું છે. અમેરિકાની ધરતી પર મોરારી બાપુ આ પહેલા 39 વખત કથાગાન કરી ચૂક્યા છે. આ કથા દ્વારા અમેરીકામાં 40 મી વખત વ્યાસપીઠ મુખર થઈ રહી છે. આ કથાગાન દરમિયાન પહેલી વખત વિદેશની ધરતી પર તુલસી જન્મોત્સવની ઉજવણી થશે. શ્રાવણ સુદ સાતમ-19 ઓગસ્ટનાં રોજ તુલસી જયંતિના ઉપલક્ષ્માં બાપુ અમેરિકામાં ભારતના 50 જેટલા કથાકારોને પણ સાથે લઈ ગયા છે. સાથે-સાથે ગુજરાતી સર્જકો, લેખકો,કવિઓ,કલાકારો તથા જે-તે ક્ષેત્રનાં મહાનુભાવો પણ આ ઉજવણીમાં સામેલ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2010 થી તુલસી જન્મોત્સવની જાહેર ઉજવણીનો આરંભ થયેલો. જ્યારે કલિ પાવનાવતાર તુલસીદાસ મહારાજની પુણ્ય સ્મૃતિ સ્વરૂપે બાપુએ કૈલાશ ગુરુકુળ-મહુવાથી તુલસી જયંતીના અવસરે ભારતનાં વિવિધ પ્રાંતનાં રામકથાનાં ગાયકો,કથાવાચકો,રામચરિત માનસનાં ચિંતનકારો તથા રામકથા સંદર્ભે યોગદાન આપનારી સંસ્થાઓમાંથી કોઈ એકની પસંદગી કરી તેમના વિશિષ્ટ યોગદાન બદલ તુલસી એવોર્ડથી તેમને વિભૂષિત કરવાનો ઉપક્રમ આરંભ કરેલો. એ પછી તુલસી એવોર્ડની સાથે-સાથે વ્યાસ એવોર્ડ અને વાલ્મિકી એવોર્ડનો પણ સમાવેશ થતો ગયો. 2010 થી 2024 સુધી દર વર્ષે મહુવા ગુરુકુળ ખાતે આ કાર્યક્રમનું આયોજન થતું રહ્યું. ગયા વર્ષે તુલસીદાસજીનાં જન્મસ્થાન રાજાપુર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે પહેલી વખત વિદેશની ધરતી-અમેરિકામાં આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, એ પણ વિશ્વ પ્રસિધ્ધ યુનિવર્સિટીમાં, આ રામકથાનો વિષય પણ બાપુએ અગાઉથી જાહેર કરીને 'માનસ ગુરુ પ્રસાદ' તરીકે કથાગાન કરવાનું કહ્યું છે. સાથે-સાથે કથા દરમિયાન સાયંકાલીન સભામાં રોજ વિદ્વાન વક્તાઓના વ્યાખ્યાનો પણ યોજાશે.
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ? | 2026-09-13 17:27:42
સાબરમતી નદી બની મિસ્ટ્રી સ્પોટ: કંકાલ મળ્યાંના 24 કલાકમાં વધુ એક યુવકની ભેદી લાશ મળી | 2026-09-13 12:43:17
ACB એ ઓપરેશન મેનેજર સહિત 4 લોકોને લાંચ લેતા ઝડપી લીધી, રૂ. 95,000 ની લાંચનો પર્દાફાશ | 2026-09-11 17:52:14
પિતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રીની હત્યા, પછી અકસ્માતની કહાની કહી, અમદાવાદ ઓનર કિલિંગ કેસ તમને ચોંકાવી દેશે | 2026-09-09 18:06:07