Sat,08 August 2026,10:13 pm
Print
header

નકલી પનીર અને બટર સામે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ બાદ ગુજરાતે એનાલોગ પનીર પર પ્રતિબંધ

  • Published By panna patel
  • 2026-08-06 08:44:41
  • /

અમદાવાદઃ છત્તીસગઢ અને મહારાષ્ટ્ર પછી, ગુજરાત સરકારે હવે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ, વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નિરીક્ષણ દરમિયાન અનેક ગેરરીતિઓ મળી આવ્યાં બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી પાર્લર અને વેપારીઓને ફક્ત એવા જ વાસ્તવિક ડેરી ઉત્પાદનો વેચવા અને ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો છે જેની ગુણવત્તા સારી છે.

અગાઉ મહારાષ્ટ્ર સરકારે પામ ઓઇલથી બનતું એનાલોગ અથવા બિન-ડેરી ચીઝના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે એનાલોગ પનીરને વાસ્તવિક પનીર તરીકે વેચવું ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારું માનવામાં આવશે. છત્તીસગઢ અને મહારાષ્ટ્ર પછી ગુજરાત હવે આવું પગલું ભરનાર ત્રીજું રાજ્ય બન્યું છે.

ગુજરાત સરકારે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે, રાજ્યમાં કોઈ પણ હોટેલ, રેસ્ટોરન્ટ, ડેરી પાર્લર, સુપરમાર્કેટ અથવા વેપારી એનાલોગ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અથવા પરિવહન કરી શકશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ખાદ્ય સુરક્ષા વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાંથી ખાદ્ય ઉત્પાદનોના નમૂના એકત્રિત કર્યા અને તેનું પ્રયોગશાળાઓમાં પરીક્ષણ કરાવ્યું. તપાસ દરમિયાન, ઘણા ઉત્પાદનો એવા મળી આવ્યા જે ડેરી ઉત્પાદનો તરીકે વેચાઈ રહ્યાં હતા પરંતુ તેની નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરતા ન હતા. પરીક્ષણ અહેવાલના આધારે, સરકારે તાત્કાલિક અસરથી રાજ્યભરમાં પ્રતિબંધ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. 

રાજ્ય સરકારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આ આદેશ જારી કર્યો છે. જેમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.  

આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસારિયાએ જણાવ્યું કે સરકારી આદેશને અનુસરીને રાજ્યમાં કોઈ પણ હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી પાર્લર, સુપરમાર્કેટ અથવા વેપારી એનાલોગ પનીર, ચીઝ અને બટરનું ઉત્પાદન, વેચાણ અથવા પરિવહન કરી શકશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારે રાજ્યના તમામ ઉત્પાદકો, વેપારીઓ, હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો, કેટરર્સ અને અન્ય ખાદ્ય વ્યવસાયોને નિયમોનું પાલન કરીને ઉત્પાદિત ફક્ત અસલી ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કાર્યવાહીનો પ્રાથમિક ઉદ્દેશ નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે. રાજ્યના પશુપાલકો અને ડેરી ઉદ્યોગના હિતોનું રક્ષણ કરવું પણ આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar