Thu,21 May 2026,3:42 am
Print
header

કોંગ્રેસનો મોટો દાવો: AAP ભાજપની B ટીમ, લોકશાહી બચાવવા અમિત ચાવડાની મતદારોને અપીલ

  • Published By dilip patel
  • 2026-04-25 16:22:04
  • /

અમદાવાદ: રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. આ પહેલા રાજકીય આરોપ-પ્રત્યારોપ તેજ બન્યાં છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરતા તેને ભાજપની બી ટીમ ગણાવી છે. રાઘવ ચડ્ડા સહિતના નેતાઓના ભાજપમાં જોડાવાને પગલે કોંગ્રેસે મતદારોને સાવધ રહેવા અપીલ કરી છે.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે, આમ આદમી પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ ભ્રષ્ટાચાર વિરોધી મતોને ડાયવર્ટ કરવાનો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ સામેના વિરોધ પક્ષના મતો વહેંચાઈ જાય તે માટે આપ વ્યૂહાત્મક રીતે કામ કરી રહી છે. ગઈકાલે રાઘવ ચડ્ડા સહિતના અન્ય સાંસદો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં મર્જ થઈ જતાં કોંગ્રેસે આ દાવાને વધુ મજબૂત રીતે રજૂ કર્યો છે.

કોંગ્રેસે ગંભીર દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીના નિશાન પર ચૂંટણી જીત્યા બાદ ઉમેદવારો અંતે ભાજપમાં જ ભળી જશે. આ પ્રકારની રાજનીતિથી લોકશાહી વ્યવસ્થાને મોટું નુકસાન પહોંચી રહ્યું હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ પ્રકારે વિપક્ષના ઉમેદવારોને પોતાની તરફેણમાં કરી લેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

અમિત ચાવડાએ મતદારોને સંબોધતા કહ્યું કે, લોકશાહીને નબળી પાડતી આ વ્યવસ્થાને અટકાવવા માટે મતદારોએ ખૂબ જ વિચારપૂર્વક મતદાન કરવું જોઈએ. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના મતોનો બગાડ ન કરે અને લોકશાહીના હિતમાં સાચો નિર્ણય લે.

રાજ્યની 15 મહાનગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોના જંગ માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણી રાજ્યના રાજકીય ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. આ વખતે રાજ્યમાં વિશાળ સ્તરે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. કુલ 9,297 બેઠકો પર આ ચૂંટણી યોજાશે, જેમાં પોતાનું નસીબ અજમાવવા માટે 25,579 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

26 એપ્રિલના રોજ સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. કોઈ અનિવાર્ય સંજોગો કે પુનઃ મતદાનની જરૂરિયાત માટે 27 એપ્રિલને અનામત દિવસ  તરીકે રાખવામાં આવ્યો છે. 28 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામો જાહેર કરાશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch