Sat,17 October 2026,5:00 am
Print
header

હવામાં મોતના તાંડવ સામે ગુજરાતી પાયલટની ખુમારી: ગુજરાત સરકાર વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરશે

  • Published By
  • 2026-10-01 19:01:08
  • /
  • ફ્લાય દુબઈનું વિમાન ક્રેશ કરવાનું કાવતરું કેપ્ટન સ્મિત મચ્છારે નિષ્ફળ બનાવીને 174 લોકોનાં જીવ બચાવ્યાં
  • 34,000 ફૂટની ઊંચાઈએ કો-પાયલટે હુમલો કરીને પ્લેનને 14,000 ફૂટ નીચે પટક્યું
  • લોહીલુહાણ કેપ્ટને કોકપિટ ખોલી મુસાફરોની મદદથી વિમાનનું સેફ લેન્ડિંગ કરાવ્યું હતું 
  • સ્મિતને વડાપ્રધાન મોદીએ ગણાવ્યો સાચો હીરો
  • સોમનાથ મહાદેવ મંદિરમાં આયુષ્ય મંત્રજાપ અને મહાપૂજા

અમદાવાદ: દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં આકાશમાં સર્જાયેલા હાઇજેકિંગ અને પ્લેન ક્રેશ કરવાના ભયાનક ષડયંત્રને મૂળ ગુજરાતી જાંબાઝ પાયલટ કેપ્ટન સ્મિત મચ્છારે પોતાની અદમ્ય બહાદુરીથી નિષ્ફળ બનાવ્યું હતું. કો-પાયલટના જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છતાં અડગ રહીને કેપ્ટન સ્મિતે 174 નિર્દોષ મુસાફરોનો જીવ બચાવી સમગ્ર વિશ્વમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ અસાધારણ સાહસ બદલ ગુજરાત સરકારે તેમને સર્વોચ્ચ ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ આપવાની જાહેરાત કરી છે.

મળતી વિગતો અનુસાર, ફ્લાય દુબઈની ફ્લાઇટ 34,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી ત્યારે અચાનક કો-પાયલટે પ્લેન ક્રેશ કરવાના બદઇરાદા સાથે કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કરી દીધો હતો. હુમલાને પગલે પ્લેનનું સંતુલન ખોરવાયું હતું અને તે જોતજોતામાં 14,000 ફૂટ જેટલું નીચે ગરકાવ થઈ ગયું હતું. વિમાનમાં સવાર મુસાફરોમાં ભારે ગભરાટ અને ચીસાચીસ મચી ગઈ હતી અને વિમાન હાઈજેક થવાની દહેશત ફેલાઈ હતી.

લોહીલુહાણ હાલતમાં પણ કેપ્ટન સ્મિતે હિંમત હાર્યા વિના અદભુત સમયસૂચકતા દાખવી કોકપિટનો દરવાજો અનલોક કરી દીધો હતો. દરવાજો ખૂલતાં જ ફ્લાઇટમાં સવાર બહાદુર ઇઝરાયલી નાગરિકો તેમજ ક્રૂ મેમ્બર્સે અંદર ઘૂસી હુમલાખોર કો-પાયલટને કાબૂમાં લઈ લીધો હતો. ત્યાર બાદ કેપ્ટન સ્મિતે સ્વસ્થતા જાળવી વિમાનને સાઉદી અરેબિયા ખાતે સુરક્ષિત ઉતારી ૧૭૪ મુસાફરોને મોતના મુખમાંથી ઉગારી લીધા હતા.

આ અસાધારણ પરાક્રમ બદલ ઇઝરાયલના વડાપ્રધાન તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન સ્મિતની ખુમારીની પ્રશંસા કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેપ્ટનની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર રાજ્ય અને દેશને ગર્વ છે. રાજ્ય સરકાર દ્વારા તેમને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તેમના સાહસને સલામ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કેપ્ટન સ્મિત મચ્છાર સાચા હીરો છે. જીવલેણ સંકટ સામે અને ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે અદભૂત સાહસ બતાવ્યું હતું. તેમના પરાક્રમે અનેક પરિવારોનો જીવ બચાવીને એક મોટી દુર્ઘટના ટાળી છે. ભારતને તેમના પર ગર્વ છે.

હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા કેપ્ટન સ્મિત ઝડપથી સ્વસ્થ થાય તે માટે સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં તેમના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય લાભ માટે વિશેષ મહાપૂજા તેમજ 'આયુષ્ય મંત્રજાપ અનુષ્ઠાન' યોજવામાં આવ્યું છે.

39 વર્ષીય કેપ્ટન સ્મિત મચ્છારનો પરિવાર મૂળ ગુજરાતી છે. તેમના પિતા ઉપેન્દ્રભાઈ વર્ષો પહેલાં મુંબઈ સ્થાયી થયા હોવાથી સ્મિતનો ઉછેર ઘાટકોપરમાં થયો હતો. શરૂઆતમાં પારિવારિક બિઝનેસ માટે તેમણે ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો હતો, પરંતુ ઉડ્ડયન ક્ષેત્રે રુચિ જાગતાં તેઓ પાઇલટ બન્યાં હતા. 2011થી સ્પાઇસજેટમાં 11 વર્ષ સેવા આપ્યાં બાદ 2020 માં લાઇન ટ્રેનિંગ કેપ્ટન બન્યાં હતા. જૂન 2022થી તેઓ ફ્લાય દુબઈમાં કેપ્ટન તરીકે કાર્યરત છે અને પત્ની સોનલ, પુત્રી જીવા અને પુત્ર ક્રિષ સાથે હાલ દુબઈમાં રહે છે. 2025ના એક પોડકાસ્ટમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે હું યુનિફોર્મ પહેરું છું, ત્યારે કોઈ ફાલતુ વાત નહીં, બસ મારું કામ જ મારી પ્રાથમિકતા હોય છે આ વિધાનને તેમણે પોતાની ફરજ અને સાહસથી સાચું સાબિત કરી બતાવ્યું હતું.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch