Wed,16 September 2026,3:12 pm
Print
header

નકલી દવાઓનું વેચાણ: ગુજરાત FDCA એ લખનઉથી અમદાવાદ સુધીની સપ્લાય ચેઈન શોધી કાઢી

  • Published By panna patel
  • 2026-08-22 19:16:49
  • /
  • આ કાર્યવાહી 19 ઓગસ્ટથી શરૂ થઈ હતી
  • 30 થી વધુ મેડિકલ સ્ટોર્સ અને ફાર્માસ્યુટિકલ એજન્સીઓ પર તપાસ કરવામાં આવી
  • તપાસ દરમિયાન અન્ય શંકાસ્પદ દવાઓના નમૂના પણ લેવામાં આવ્યાં

ગાંધીનગરઃ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) એ શહેર તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં નકલી અને શંકાસ્પદ ડુપ્લિકેટ દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 30થી વધુ મેડિકલ સ્ટોર્સ અને ફાર્માસ્યુટિકલ એજન્સીઓ પર તપાસ કરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ નકલી 'નિકાર્ડિયા રિટાર્ડ-10' (Nicardia Retard-10) ની 1250 ગોળીઓ જપ્ત કરવામાં આવી છે તેમજ આશરે ₹1.70૦ લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત  કરવામાં આવ્યો છે.

જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, ભરૂચ દ્વારા ઉત્પાદિત અને બેચ નંબર ACG25007 ધરાવતી 'નિકાર્ડિયા રિટાર્ડ 10' ગોળીઓના સંભવિત નકલી અથવા ડુપ્લિકેટ વેચાણ અંગેની બાતમી મળ્યાં બાદ આ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી 19 ઓગસ્ટથી શરૂ થઈ હતી અને અમદાવાદ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન, અધિકારીઓએ નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, ભરૂચના નામવાળી 'નિકાર્ડિયા રિટાર્ડ 10' ની 660 ગોળીઓ જપ્ત કરી હતી. આ ગોળીઓને સત્તાવાર નમૂના તરીકે સીઝ કરીને પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.

આ ઉપરાંત, અમદાવાદના પાલડી સ્થિત પાર્શ્વ મેડિકલ એજન્સીમાંથી આજ દવાની વધુ 590 ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી. અહેવાલો મુજબ, આ જથ્થો એપેક્સ ફાર્મા એજન્સી (ભાવનગર) દ્વારા ટિંબી (ભાવનગર) ના રોટરી ટિંબી મેડિકલ સ્ટોર્સને સપ્લાય કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા તપાસ દરમિયાન અન્ય શંકાસ્પદ દવાઓના નમૂના પણ લેવામાં આવ્યા છે અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં નિકાર્ડિયા રિટાર્ડ 20, સિલાકાર 5, સિલાકાર 10, સિલાકાર ટીએમ 50 અને નિકાર્ડિયા રિટાર્ડ 10 ની વિવિધ બેચનો સમાવેશ થાય છે. પ્રતિબંધ હેઠળ મૂકવામાં આવેલા આ શંકાસ્પદ દવાની કુલ કિંમત આશરે ₹1.70 લાખ અંદાજવામાં આવી છે.


પ્રાથમિક તપાસમાં એક શંકાસ્પદ સપ્લાય ચેઈન પણ સામે આવી છે જેના દ્વારા આ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિભાગના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક સેના ફાર્માસ (લખનૌ, ઉત્તર પ્રદેશ) થી શરૂ થઈને પાર્થ મેડિકલ એજન્સી (પાલડી, અમદાવાદ), પારસ ઇકોમેડ (સેટેલાઇટ, અમદાવાદ), સાણંદ મેડિકલ સ્ટોર (સાણંદ) અને છેવટે લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ (સેટેલાઇટ, અમદાવાદ) સુધી પહોંચી હતી.

FDCA એ પોતાની તપાસનો વ્યાપ વધારીને અમદાવાદ, સુરત, ભુજ અને અન્ય સ્થળોની અનેક પેઢીઓ અને મેડિકલ સ્ટોર્સ સુધી લંબાવ્યો છે. અધિકારીઓ શંકાસ્પદ દવાઓની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે સંબંધિત પેઢીઓના ખરીદ-વેચાણના હિસાબો અને રેકોર્ડની ચકાસણી કરી રહ્યા છે.

આ પેઢીઓમાં તપાસ

  • લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. અને પારસ ઇકોમેડ (સેટેલાઇટ)
  • સાણંદ મેડિકલ સ્ટોર્સ
  • પાર્શ્વ મેડિકલ એજન્સી અને ગિરિરાજ હેલ્થ કેર (પાલડી)
  • ફાર્મા-૩૬૫ અને અરિહંત મેડિકલ એજન્સી (સેટેલાઇટ)
  • જેએલયુ મેડિકલ એજન્સી અને સુમેલમાં આયુષ મેડિકલ એજન્સી (શાહીબાગ)
  • વર્ધમાન મેડિકલ એજન્સી
  • સાગર ફાર્મા એજન્સી (જૂનાગઢ)
  • આગમ ફાર્માસ્યુટિકલ્સ (મેઘાણીનગર)
  • એશ્યોર હેલ્થ કેર (દરિયાપુર)
  • રિદ્ધિ મેડિકલ એજન્સી (સોલા)
  • પારસ મેડિકલ એજન્સી અને કે.એમ. ડિસ્ટ્રિબ્યુટર (એલિસબ્રિજ)
  • ગ્લોબલ ફાર્મા (ઘાટલોડિયા)
  • મેરુ ફાર્મા અને શ્યામ ડિસ્ટ્રિબ્યુટર (સુરત)
  • સંજીવની મેડિકલ (ગાંધીધામ)
  • એપેક્સ ફાર્મા, રામ મેડિકલ સ્ટોર અને સત્યમ ફાર્મસી (ભાવનગર)
  • રોટરી ટિંબી મેડિકલ સ્ટોર (ઉમરાળા)

આ મામલે હાલ વધુ તપાસ ચાલુ છે અને વિભાગ આ સપ્લાય ચેઈનને મૂળ ઉત્પાદક સુધી ટ્રેસ કરવાની યોજના બનાવી રહ્યું છે. જરૂર પડ્યે આ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch