Wed,16 July 2025,8:26 pm
Print
header

Fact Check: G-7 સમિટ દરમિયાન કેનેડામાં ખાલિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી ? જાણો વાયરલ વીડિયોનું સત્ય

  • Published By Mahesh patel
  • 2025-06-19 13:13:39
  • /

Fact Check: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 જૂને ગ્રુપ ઓફ 7 એટલે કે G-7 સમિટ માટે કેનેડા પહોંચ્યાં હતા, જ્યાં તેમણે આ સમિટમાં ભાગ લીધો હતો. કનાનિસ્કિસમાં આયોજિત G-7 સમિટમાં ભાગ લીધા બાદ, પીએમ મોદીએ વિવિધ દેશોના નેતાઓ સાથે ખાસ મુલાકાત પણ કરી હતી. G-7 માં વિશ્વના સાત મુખ્ય દેશો - અમેરિકા, કેનેડા, જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રિટન અને ઇટાલીનો સમાવેશ થાય છે.

આ દરમિયાન, પોલીસ ખાલિસ્તાનીઓ સામે કાર્યવાહી કરતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં, કેટલાક લોકો રસ્તાના કિનારે ખાલિસ્તાની ધ્વજ લઈને ફરતા જોવા મળે છે. અહીં હાજર પોલીસકર્મીઓ તેમની પાસેથી ઝંડો છીનવી લેતા અને તેમને હાથકડી પહેરાવીને ધરપકડ કરતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો કેનેડાનો છે, જ્યાં પોલીસે G-7 સમિટ પહેલા ખાલિસ્તાનીઓ સામે કડક કાર્યવાહી કરી હતી.

શું વાયરલ થઈ રહ્યું છે ?

સોશિયલ મીડિયા પર એક યુઝરની પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં વીડિયોની ઉપર લખ્યું છે કે, મોદીજીના શબ્દો અલગ છે. બીજી તરફ, કેનેડામાં G7 કોન્ફરન્સ શરૂ થાય તે પહેલાં, ખાલિસ્તાનીઓની મારપીટ શરૂ થઈ ગઈ.

ફેસબુક પર આ વીડિયો પોસ્ટ કરતી વખતે એક વ્યક્તિએ લખ્યું, મોદીજી કેનેડા પહોંચે તે પહેલાં જ ખાલિસ્તાનીઓને માર મારવાનું શરૂ થઈ ગયું. G7 કોન્ફરન્સ પહેલા ખાલિસ્તાનીઓ વિરોધ કરી રંહ્યા હતા અને ધમકી આપી રહ્યાં હતા. હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તપાસમાં શું બહાર આવ્યું ?

જોકે હકીકત તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયોનો કેનેડામાં યોજાઈ રહેલા G-7 સમિટ સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો ન્યૂયોર્કનો છે, જ્યાં 2024માં પીએમ મોદીની મુલાકાત દરમિયાન ખાલિસ્તાની પ્રદર્શનકારીની ધરપકડ કરવામાં આવી હતી. દાવાની સત્યતા જાણવા માટે, અમે રિવર્સ ઇમેજ સર્ચ દ્વારા વીડિયોના મુખ્ય ફ્રેમ્સ તપાસ્યા. આ દરમિયાન, અમને આ ઘટના વિશે પ્રકાશિત થયેલ એક સમાચાર મળ્યા. તેમાં વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ છે. 23 સપ્ટેમ્બર, 2024 ના રોજ પ્રકાશિત આ સમાચાર અનુસાર, ન્યૂયોર્કની નાસાઉ કાઉન્ટી પોલીસે પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન એક ખાલિસ્તાની પ્રદર્શનકારીની ધરપકડ કરી હતી. આ સાથે, પોલીસે તે જગ્યાએ લગાવેલા ઉશ્કેરણીજનક બેનરો દૂર કર્યા અને પ્રદર્શનકારીઓને ફ્રી સ્પીચ ઝોનમાં મોકલી દીધા. આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો તાજેતરનો નથી, પરંતુ લગભગ એક વર્ષ જૂનો છે.

સપ્ટેમ્બર 2024 માં, આ વીડિયો વિશે ઘણા સમાચાર પ્રકાશિત થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, પરંતુ ત્યારબાદ કેટલાક ખાલિસ્તાનીઓએ તે જ વિસ્તારમાં વિરોધ શરૂ કર્યો, ત્યારબાદ પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી.

ફેક્ટ ચેકમાં શું બહાર આવ્યું ?

ગુજરાત પોસ્ટ દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકમાં ખુલાસો થયો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ સાથે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. આ વીડિયો ન્યૂયોર્કનો છે, જ્યાં 2024માં પીએમ મોદીની મુલાકાત દરમિયાન એક ખાલિસ્તાની પ્રદર્શનકારીની ધરપકડ કરવામાં આવી હતી. આનો કેનેડામાં આયોજિત G-7 સમિટ સાથે કોઈ સંબંધ નથી. તેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. લોકોને આવી કોઈપણ પોસ્ટથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch