Sun,16 November 2025,6:22 am
Print
header

પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ નવા મંત્રી પાનસેરિયાને પત્ર લખીને કરી આ માંગ

  • Published By dilip patel
  • 2025-10-28 09:20:00
  • /

ભેળસેળિયા માફિયા બેફામ, તેમને કંઇ થતું નથી તેવો પત્રમાં ઉલ્લેખ

સુરત: ગુજરાતમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળનું વધતું પ્રમાણ અને નકલી દવાઓના વેચાણના ગંભીર પ્રશ્નો અંગે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે નકલી દવાઓ બનાવનારા-વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પ્રદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવીને કડક અમલ કરવાની રજૂઆત કરી છે. કાનાણીએ આ પ્રકારની રજૂઆત અગાઉ પણ મુખ્યમંત્રી અને તત્કાલીન આરોગ્ય મંત્રીને કરી હોવાનું જણાવ્યું હતું.

કુમાર કાનાણીએ પોતાના પત્રમાં ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે કે, ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવ જીવન સાથે ચેડા કરી માનવ જીવનને જોખમ ઉભું કરતો પ્રશ્ન છે. જેમ કે, નકલી દવાઓ બનાવવી-વેચવી તેમજ ખાદ્યપદાર્થો નકલી બનાવવા કે, ભેળસેળ કરવી. તેમણે ઉમેર્યું હતું કે, ભેળસેળ કરનારાઓને કોઈપણ પ્રકારનો ડર નથી, તેમને કંઇ થતું પણ નથી. તેનું કારણ આપતા તેમણે જણાવ્યું કે, હાલમાં તેમની સામે કાર્યવાહી થાય, સેમ્પલ લેવાય અને રિપોર્ટ આવે, તો પણ આવા ભેળસેળિયાઓ સામાન્ય બે-પાંચ હજાર દંડ ભરીને છૂટી જાય છે અને તેમનો ધંધો ચાલુ રહે છે.

કાનાણીએ લખ્યું કે, એક વ્યક્તિની હત્યા કરનારને આજીવન કે ફાંસીની સજા થાય છે, જ્યારે નકલી દવા બનાવી-વેચી ખાદ્યપદાર્થ નકલી બનાવી, ભેળસેળ કરી ધંધો કરનાર લોકો, લાખો લોકોના માનવ જીવનને જોખમમાં મૂકીને કોઈપણ ડર-ભય વગર બેફામ લોકોને મારી રહ્યાં છે.

પૂર્વ મંત્રી કાનાણીએ પ્રફુલ પાનસેરિયાને લખ્યું કે તમે આરોગ્ય મંત્રી બન્યા છો, સ્વતંત્ર હવાલો છે. તમે ખુબ જ ઈમાનદાર અને પ્રામાણિક છો. તમે ભણેલા છો, તમે ધાર્મિક છો અને કામ કરવાની ઈચ્છાશક્તિ ધરાવો છો. એટલે આ કામ તમે કરી શકો તેમ છો. કાનાણીએ માંગણી કરી છે કે આગામી વિધાનસભા સત્રમાં કડક કાયદો બનાવી તેનો કડક અમલ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch