Sat,17 October 2026,5:19 am
Print
header

PMLA કેસમાં ED અમદાવાદની મોટી કાર્યવાહી: ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયાની રૂ. 43.65 કરોડની સંપત્તિ જપ્ત

  • Published By
  • 2026-10-01 18:47:25
  • /
  • બેંક ઓફ ઈન્ડિયા સાથે છેતરપિંડી મામલે ઈલેક્ટ્રોથર્મ સામે ED નો સકંજો
  • કુલ રૂ. 81.97 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

અમદાવાદઃ ED અમદાવાદ ઝોનલ ઓફિસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડના કેસમાં રૂ. 43.65 કરોડની કિંમતની જંગમ મિલકતો કામચલાઉ રીતે ટાંચમાં લીધી છે. 25 સપ્ટેમ્બરના રોજ કરાયેલી આ જપ્તીમાં યસ બેંકમાં રહેલા ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડના બે બેંક ખાતામાંથી રૂ. 25.08 કરોડ તેમજ પ્રમોટર્સ દ્વારા ધારણ કરાયેલા કંપનીના રૂ. 18.57 કરોડની કિંમતના 13,57,775 શેર્સનો સમાવેશ થાય છે.

ED ની આ તપાસ સીબીઆઈની બેંક સિક્યોરિટીઝ એન્ડ ફ્રોડ બ્રાન્ચ (BS&FB), મુંબઈ દ્વારા ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ અને તેના ડિરેક્ટરો સામે ભારતીય દંડ સંહિતા, 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. આ ગુનો બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યો હતો.

તપાસ અનુસાર, આરોપીઓએ વર્ષ 2007 થી 2013 વચ્ચે બેંકમાંથી મેળવેલી ક્રેડિટ સુવિધાઓના ભંડોળની ઉચાપત કરી અને અન્યત્ર વાળી દીધું હોવાનો આક્ષેપ છે. ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડનું કુલ બાકી લેણું રૂ. 631.97 કરોડ હતું, જ્યારે ખાતું પાછળથી એડલવાઈસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ARC) ને રૂ. 550 કરોડમાં સોંપવામાં આવ્યું હતું, જેના કારણે બેંકને રૂ. 81.97 કરોડનું નુકસાન થયું હતું.

ED એ જણાવ્યું કે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડને વિસ્તરણ માટે આપવામાં આવેલી લોનની રકમ મંજૂર કરાયેલા હેતુની વિરુદ્ધ જઈને લોન મળ્યાના બાદ હાલની અન્ય જવાબદારીઓ ચૂકવવા માટે વાળી દેવામાં આવી હતી.

એજન્સીએ વધુમાં શોધી કાઢ્યું કે ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડએ વિવિધ સંસ્થાઓને નાણાં ટ્રાન્સફર કર્યા હતા, જેમના બેંક ખાતામાંથી રકમ મળ્યાંના ટૂંક સમયમાં જ રાઉન્ડ-સમ (ગોળ આંકડામાં) રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી. કેટલાક કિસ્સાઓમાં, નાણાં ઉપાડતા પહેલા અન્ય સંસ્થાઓ દ્વારા રૂટ કરવામાં આવ્યાં હતા. તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ 2007 થી 2013 દરમિયાન ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડના બેંક ખાતાઓમાંથી કરોડો રૂપિયા રોકડા ઉપાડવામાં આવ્યાં હતા.

અગાઉ, ED દ્વારા જાન્યુઆરી 2025 માં PMLA હેઠળ ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ, તેના ડિરેક્ટરો અને પ્રમોટર્સના પરિષરમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. આ દરોડા દરમિયાન રૂ. 38.32 કરોડની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી હતી, જેને બાદમાં PMLA હેઠળની એડજ્યુડિકેટિંગ ઓથોરિટી દ્વારા પુષ્ટિ આપવામાં આવી હતી.

તાજેતરની આ જપ્તી સાથે, કેસમાં અત્યાર સુધી જપ્ત, ફ્રીઝ કે ટાંચમાં લેવાયેલી સંપત્તિનું કુલ મૂલ્ય રૂ. 81.97 કરોડ પર પહોંચી ગયું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch