Thu,07 November 2024,5:40 am
Print
header

તાઈવાનના 4 લોકો ચલાવતા હતા ડિજિટલ અરેસ્ટ ગેંગ, રોજ રૂ. 2 કરોડની છેતરપિંડી કરતા હતા, 17 લોકોની ધરપકડ

અમદાવાદઃ સાઇબરના ગુનાઓની દુનિયામાં ડિઝિટલ એરેસ્ટ જેવી બાબતો હવે સામે આવી રહી છે. લોકોને માનસિક રીતે ત્રાસ આપીને પોતાની જાળમાં ફસાવવામાં આવી રહ્યાં છે. હવે ડીજીટલ અરેસ્ટના કેસમાં ગુજરાત પોલીસે તાઈવાનના ચાર ઠગ સહિત 17 લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશવ્યાપી ડિજિટલ અરેસ્ટ રેકેટ ચલાવવા બદલ આ લોકોની ધરપકડ કરી છે.

જોઈન્ટ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલે જણાવ્યું કે આ મામલો સૌપ્રથમ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે ગેંગે એક વરિષ્ઠ નાગરિકને 10 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખ્યાં હતા. વીડિયો કૉલ્સ દ્વારા તેમના પર નજર રાખવામાં આવી રહી હતી અને RBIના મુદ્દાને ઉકેલવાના નામે રિફંડપાત્ર પ્રોસેસિંગ ફી તરીકે તેમની પાસેથી રૂ. 79.34 લાખ પડાવી લેવાયા હતા.

દરરોજ રૂ. 2 કરોડની છેતરપિંડી

પોલિસના જણાવ્યાં અનુસાર વરિષ્ઠ નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે પોતાને ટ્રાઈ, સીબીઆઈ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ગણાવતા કેટલાક લોકોએ તેમને ફોન કર્યો હતો. તેમને આરોપ લગાવ્યો કે તેમના ખાતાનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારો માટે કરવામાં આવી રહ્યો છે. ગયા મહિને ફરિયાદ મળ્યાં બાદ અમારી ટીમોએ ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, ઓડિશા અને મહારાષ્ટ્રના સ્થળોએ દરોડા પાડ્યાં હતા, આ રેકેટને ચલાવનારા તાઇવાનના 4  નાગરિકો સહિત 17 લોકોની ધરપકડ કરાઇ છે. તેઓએ લગભગ 1,000 લોકોને નિશાન બનાવ્યાં હોવાનો અંદાજ છે. ચાર તાઈવાનના લોકો ભારત આવ્યા અને રિસર્ચ કરવામાં ઘણો સમય વિતાવ્યાં પછી આ રેકેટ ચલાવવાનું શરૂ કર્યું હતુ, સામે આવ્યું છે કે આ લોકોએ રોજના 2 કરોડ રૂપિયા પડાવ્યાં છે અને આ બધું છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું હતુ.

તાઈવાનના આરોપીએ બનાવેલી મોબાઈલ એપ

તેમણે કહ્યું કે ચાર તાઈવાનના નાગરિકોની ઓળખ મુ ચી ત્સુંગ (ઉ.વ-42), ચાંગ હુ યુન (ઉ.વ-33), વાંગ ચુન વેઈ (ઉ.વ-26) અને શેન વેઈ (ઉ.વ-35) તરીકે થઈ છે, જ્યારે બાકીના 13 ગુજરાત, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા અને રાજસ્થાનના છે. તાઇવાનના ચાર આરોપીઓ છેલ્લા એક વર્ષથી વારંવાર ભારત આવતા હતા, તેઓએ ગેંગના સભ્યોને એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે મોબાઈલ ફોન એપ અને અન્ય ટેકનિકલ સહાય પૂરી પાડી હતી, જેમની દિલ્હીની હોટલમાંથી પકડી લેવામાં આવ્યાં છે.

સિંઘલે જણાવ્યું હતું કે ટોળકી દ્વારા ઉપયોગમાં લેવાતી મોબાઈલ એપ તાઈવાનના આરોપીઓએ બનાવી હતી. તેઓએ તેમની સિસ્ટમમાં ઓનલાઈન વોલેટ પણ રાખ્યાં હતા. પીડિતો પાસેથી મળેલી રકમ આ એપનો ઉપયોગ કરીને અન્ય બેંક ખાતાઓ તેમજ દુબઈના ક્રિપ્ટો એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. 

સરકારી ઓફિસ જેવું કોલ સેન્ટર

આ રેકેટ તપાસ એજન્સીઓની સરકારી ઓફિસો જેવા મળતા કોલ સેન્ટરોમાંથી ચલાવવામાં આવી રહ્યું હતું અને જ્યાંથી વીડિયો કોલ કરવામાં આવ્યાં હતા. પોલીસે રૂ. 12.75 લાખ રોકડા, 761 સિમ કાર્ડ, 120 મોબાઈલ ફોન, 96 ચેકબુક, 92 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને ટ્રાન્ઝેક્શન માટે રાખવામાં આવેલા ખાતાઓ સાથે સંબંધિત 42 બેંક પાસબુક રિકવર કરી છે.

ડિજિટલ અરેસ્ટ શું છે ?

ડિજિટલ અરેસ્ટ એ એક પ્રકારનો સાયબર ગુનો છે, જેમાં પીડિતને એવું કહીને ડરાવવામાં આવે છે કે તે મની લોન્ડરિંગ, ડ્રગ્સ સ્મગલિંગમાં સામેલ છે. છેતરપિંડી કરનારાઓ વીડિયો કૉલ દ્વારા તેમના સુધી પહોંચે છે અને પછી પીડિતને તેમને મુક્ત કરવા માટે વિવિધ બેંક ખાતાઓમાં મોટી રકમ ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch