Thu,21 May 2026,4:42 am
Print
header

ડભોઈમાં ભાજપ- કોંગ્રેસ સામ સામે, ધારાસભ્ય શૈલેષ સોટાને કાર્યકરોએ ધક્કે ચડાવ્યાં

  • Published By Panna Patel
  • 2026-04-15 18:25:22
  • /

વડોદરાઃ ગુજરાતમાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા જિલ્લાની ડભોઈ તાલુકા પંચાયત કચેરી અખાડામાં ફેરવાઈ ગઈ હતી. જ્યાં સાઠોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ જબરજસ્તીથી પરત ખેંચાવવાના આક્ષેપ સાથે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી.

સાઠોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઈ પાટણવાડિયા પર ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની વિગતો બહાર આવી હતી. ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટા) અને તેમનો પુત્ર ઉમેદવારને ધાક-ધમકી આપી રહ્યાં હોવાના આક્ષેપો થયા છે. જેથી ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને સાઠોદ ગામના લોકો તાલુકા પંચાયત કચેરીએ ધસી આવ્યાં હતા.

કચેરીમાં મામલો એટલો બિચક્યો કે ઉશ્કેરાયેલા ગ્રામજનો અને કોંગ્રેસના કાર્યકરોએ ભાજપની દાદાગીરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય શૈલેષ સોટા અને તેમના પુત્ર સાથે કાર્યકરોની ઉગ્ર બોલાચાલી થઈ હતી, અને બાદમાં ઝપાઝપી થઇ હતી. અંદાજે 20 મિનીટ સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામામાં ધારાસભ્યને કાર્યકરોએ ધક્કે ચઢાવ્યાં હતા. સ્થિતિ વણસતા ડભોઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો.

કોંગ્રેસે આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી હતી. ભાજપ સત્તાના જોરે વિપક્ષના ઉમેદવારોને ડરાવી-ધમકાવીને બેઠકો બિનહરીફ કરવા માંગતી હોવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, પોલીસે હાલ બંને પક્ષોની રજૂઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch