Fri,29 May 2020,9:51 pm
Print
header

જો પાનના ગલ્લા શરુ થતા હોય.....તો છેલ્લાં 60 દિવસથી બંધ કોર્ટ કેમ શરુ નથી થતી !

હિરેન ઉપાધ્યાય, અમદાવાદ

લોકડાઉનના કારણે છેલ્લાં 60 દિવસથી કોર્ટની કામગીરી, સબ રજીસ્ટ્રાર ઓફિસની અને અન્ય મહેસૂલી કામગીરી જે વકીલો મારફતે કરવામાં આવે છે તે બંધ છે, જેનાથી વકીલોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે.  કેટલીક કામગીરી ઝુમ એપ્લીકેશન દ્વારા કરવામાં આવી રહી છે જે પધ્ધતિ તમામ વકીલોને માફક નથી આવી રહી, હવે તો લોકડાઉનમાં દુકાનો અને સરકારી ઓફિસો પણ ચોક્કસ સ્ટાફ સાથે શરુ કરવામાં આવી છે, તો કોર્ટને નિયમિત રીતે શરુ કરવામાં આવે તે જરુરી છે.આ અંગે રાજકોટ બાર એસોશીએશન દ્વારા મુખ્યમંત્રી અને કાયદામંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જણાવવામાં આવ્યું છે કે કોર્ટ પરિષરમાં માત્ર વકીલોને જ પ્રવેશ આપવામાં આવે અને સાક્ષી કે અરજદાર પ્રવેશ ન કરે તે રીતે કોર્ટ શરુ કરવી જોઇએ,જેથી કોર્ટ પરિસરમાં સંક્રમણને અટકાવી શકાય.છેલ્લા 60 દિવસથી ચોક્કસ જામીન સિવાયની કામગીરી સિવાય અન્ય કામગીરી ન થતા વકીલોએ પણ આર્થિક મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. રાજકોટ બાર એસો.ના મંત્રી ડો. જીગ્નેશ જોષી કહે છે કે સરકાર હવે કોર્ટને નિયમિત કરે તે ખુબ જ જરુરી છે. વકીલોને રુપિયા પાંચ હજારની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી.તે પૈકી હજુ ઘણા વકીલોને નાણાં પણ મળ્યાં નથી. તે ઝડપથી ચુકવવામાં આવે રાજકોટમાં પ્રેક્ટીસ કરતા વકીલ વિપુલ પંડ્યા કહે છે કે છેલ્લાં બે મહિનાથી વકીલોની સ્થિતી સારી નથી, કારણ કે હાલ 70 ટકા વકીલોને નિમયિત કોર્ટ ચાલે તો જ આર્થિક રાહત મળી શકે તેમ છે.કારણ કે જામીન, એફીડેવીટ અને અન્ય કામગીરી  આ 70 ટકા વકીલો દ્વારા જ કરવામાં આવે છે. ત્યારે પાંચ હજારની આર્થિક સહાયથી  થોડો ટેકો મળે પણ મહિનો પસાર કરવો અઘરો પડે તે ચોક્કસ વાત છે.

ગાંધીનગર બાર એસો.ના મંત્રી હિતેશ રાવલ જણાવે છે કે હાલ કોર્ટ શરુ કરવામાં આવે તે જરુરી છે, જેથી કામગીરી સરળ બને તે માટે ચોક્કસ પ્લાન બનાવવામાં આવે. જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે અને કોર્ટમાં એક પછી એક કેસોની ટ્રાયલ પણ ધીમે ધીમ શરુ થઇ જાય.કારણ કે  છેલ્લાં બે માસથી ઘણા કેસો ચાલ્યાં ન હોવાને કારણે કોર્ટ પર ભારણ વધી રહ્યું છે.. પણ અમે ઇચ્છી રહ્યાં છીએ કે કોર્ટ શરુ કરવાની ચોક્કસ ગાઇડલાઇન બને તે પછી જ તેનો અમલ કરવામાં આવે. અમદાવાદના જાણીતા વકીલ આશા ઠાકર જણાવે છે કે હાલ કોરોના સંક્રમણને લીધે સૌ કોઇને ચિંતા ચોક્કસ છે પણ હકીકત એ છે કે કોરોનાનું સંક્રમણ હજુ કયાં સુધી રહેશે ? તેની ચોક્કસ સમયસીમા નથી, ત્યારે કોર્ટની કામગીરી નિયમિત રીતે શરુ થાય તે જરુરી છે. સાથે ઘણા નિયમો પણ હોવા જોઇએ.  જેમ કે એક જ દિવસે તમામ કોર્ટ ચાલુ ન થાય પણ તેને ઓડ ઇવન પધ્ધતિથી ચલાવી શકાય. જ્યારે સાક્ષી કે અસીલની જરુર ન હોય ત્યારે કોર્ટ રુમમાં માત્ર ઓછી હાજરીથી કામગીરી કરી શકાય તેમ છે.કોર્ટ્ પરિષરમાં વકીલોની સંખ્યા 50 ટકા સુધી રહે તે રીતે તેમને બોલાવી શકાય તેમ છે. આમ, કોર્ટમાં જામીન, એફિડેવીટ, કે અન્ય કામગીરી ઝડપથી શરુ થાય તો વકીલોનો આર્થિક મુશ્કેલીનો સમય ઓછી થઇ શકે તેમ છે.ગાંધીનગરના એક વકીલે જણાવ્યું કે નિયમ મુજબ વકીલ તેમના નામે કોઇ ધંધો કે કામગીરી નથી કરી શકતા અને કોર્ટ નિયમિત ચાલુ હતી ત્યારે જામીન અને એફીડેવીટ જેવા કામથી દિવસના બે હજાર રૂપિયા સુધીની આવક થતી હતી, પણ હવે લોકડાઉન બાદ તે બંધ થઇ ગઇ છે. તેવામાં ખુબ મુશ્કેલી પડી રહી છે અને હવે પત્નીએ ઘરે સિલાઇનું કામ કરવાનું કર્યુ છે. આમ, વકીલોની હાલત સારી નથી તેવામાં કોર્ટ શરુ થાય તે એકમાત્ર ઉપાય છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

-->