Sat,08 August 2026,10:12 pm
Print
header

સારા સમાચાર ! ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂ.14,000 ની સહાય મળશે, અહીં અરજી કરો

  • Published By Panna Patel
  • 2026-07-13 14:54:29
  • /

ગાંધીનગરઃ ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાત સરકારને કેન્દ્ર સરકારની નવી યોજના હેઠળ રૂ.134.80 કરોડની રકમ પ્રાપ્ત થઈ છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી (કપાસ ઉત્પાદકતા મિશન) હેઠળ ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રતિ હેક્ટર દીઠ રૂ. 14,000 સુધીની આર્થિક સહાય મળશે. કપાસના ઉત્પાદનમાં વધારો કરવા અને દેશની આયાત ઘટાડવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે કપાસના ઉત્પાદનમાં વધારો કરવા, આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને ખેડૂતોની આવક સુદ્રઢ કરવાના ઉદ્દેશ સાથે વર્ષ 2026-27 થી 2030-31 ના સમયગાળા માટે કોટન પ્રોડક્ટિવિટી મિશન શરૂ કર્યું છે. આ પહેલ અંતર્ગત ગુજરાત માટે રૂ.134.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

આ યોજનાનો ઉદ્દેશ શું છે ?

આ પાંચ વર્ષની યોજના (2026-27 થી 2030-31 સુધી) છે, જેનો ઉદ્દેશ કપાસના ઉત્પાદનમાં વધારો કરવાનો છે. આ પહેલ હેઠળ, ગુજરાતના કપાસનું ઉત્પાદન કરતા 21 જિલ્લાઓમાં એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવામાં આવશે. ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી ખેડૂતોને તેમનું ઉત્પાદન વધારવામાં, ખર્ચ ઘટાડવામાં અને આવકમાં વધારો કરવામાં મદદ મળશે. ખેડૂતો જે ખેતી પદ્ધતિઓ અપનાવશે તેના આધારે તેમને બે શ્રેણી હેઠળ સહાય આપવામાં આવશે.

1- નજીકના અંતરે વાવેતરની પદ્ધતિ: જો ખેડૂતો 90 સેમી × 30 સેમીના અંતરે કપાસનું વાવેતર કરે, તો તેમને પ્રતિ હેક્ટર રૂ. 14,000ની સહાય (બિયારણ, ખાતર વગેરેના ખર્ચને આવરી લેવા માટે) મળશે.

2- સંકલિત પાક વ્યવસ્થાપન (ICM) હેઠળ, 90 સેમી × 60 સેમીના અંતરે વાવેતર કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 7,500 ની સહાય મળવાપાત્ર રહેશે. એક ખેડૂત એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ બે હેક્ટર માટે આ યોજનાનો લાભ મેળવી શકે છે.

ફરજિયાત શરતો પૂરી કરવી

આ યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂતોએ સરકાર દ્વારા પ્રમાણિત કપાસની જાતો અથવા માન્ય બીટી કપાસના બીજનો ઉપયોગ કરવો આવશ્યક છે. ખેડૂત રજિસ્ટ્રી (ખેડૂત ID) પૂર્ણ કરવી ફરજિયાત છે. સરકાર આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરશે, જેનાથી ખેડૂતો નવી તકનીકો અપનાવી શકશે અને ઉત્પાદન અને ઉત્પાદકતા બંનેમાં વધારો કરી શકશે.

અરજી કેવી રીતે કરવી ?

રાજ્ય સરકારે 10 જુલાઈ, 2026 થી ikhedut.gujarat.gov.in પોર્ટલ પર પાત્ર ખેડૂતો માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. અધિકૃત વેબસાઇટ ikhedut.gujarat.gov.in દ્વારા પણ અરજી કરી શકાય છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.

પાત્રતા ધરાવતા 21 જિલ્લાઓ

કચ્છ, રાજકોટ, જામનગર, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, ભરૂચ, અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, નર્મદા, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, જૂનાગઢ અને પાટણ. 

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

ખાતેદારનું આધાર કાર્ડ જમીનના 7-12 અને 8-અ ના ઉતારા

બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક

આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઇલ નંબર.

આ યોજનાનો લાભ લેવા માટે i-Khedut Portal પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch