Thu,10 July 2025,3:47 am
Print
header

કેનેડાના ટોરોન્ટોમાં ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓનાં મોત, બોરસદના પૂર્વ ધારાસભ્યના ભત્રીજાનું પણ મોત

  • Published By
  • 2024-10-26 11:36:54
  • /

કેનેડાઃ ટોરોન્ટોમાં ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓનાં મોત થઇ ગયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે પાંચેય મિત્રો તેમની ટેસ્લા કારમાં મુસાફરી કરી રહ્યાં હતા. દરમિયાન કાર એક થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તરત જ કારમાં આગ લાગી ગઈ હતી.

આ અકસ્માતમાં સગા ભાઈ, બહેન સહિત ચાર લોકોનાં મોત થયા હતા. ચારેય મૂળ ગુજરાતના હતા. કારમાં સવાર એક મુસાફરનો જીવ બચી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગોધરાના કેતબા ગોહિલ અને નીલરાજ ગોહિલ અને આણંદ જિલ્લાના દિગ્વિજય પટેલ, જય સિસોદિયા અને ઝલક પટેલ બુધવારે રાત્રે ટેસ્લા કારમાં જઈ રહ્યાં હતા.

ટક્કર બાદ કારમાં આગ લાગી હતી

તેઓ ડાઉનટાઉન ટોરોન્ટોથી નીકળી રહ્યાં હતા ત્યારે કાર રોડની બાજુના થાંભલા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારની બેટરીને નુકસાન થયું હતું અને કારમાં આગ લાગી હતી. આ દુ:ખદ ઘટનામાં બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના ભત્રીજા જયરાજસિંહ સિસોદિયા, કેતબા ગોહિલ અને નીલરાજ ગોહિલ અને દિગ્વિજય પટેલનું મોત નીપજ્યું હતું. જ્યારે ઝલક પટેલને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી. કેનેડામાં પુત્ર-પુત્રીના મોત બાદ ગોધરામાં પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના નિવૃત કર્મચારીના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો, કેતબા ગોહિલ કેનેડામાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરતી હતી અને તેનો ભાઈ નીલરાજ ગોહિલ અભ્યાસ કરી નોકરી કરતો હતો.

આણંદના બે યુવકોના મોત

આ અકસ્માતમાં આણંદ જિલ્લાના બે યુવકોના મોત થયા છે. તેમાંથી જયરાજસિંહ સિસોદિયાના પિતા ભદ્રન કોલેજમાં પ્રોફેસર છે. મૃતક જયરાજસિંહ બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારનો ભત્રીજો છે. જયરાજ સિંહને તાજેતરમાં કેનેડાની નાગરિકતા મળી હતી. બનાવને પગલે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch