Sat,20 April 2024,8:50 am
Print
header

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના ધુંવાવ ગામની લીધી મુલાકાત, સહાયની આપી હૈયાધારણા

જામનગરઃ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે પોતાનો પ્રથમ પ્રવાસ જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં કર્યો હતો. મુખ્યમંત્રી પોતાના કાફલા સાથે જામનગરના પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા.અહીં ભૂપેન્દ્ર પટેલ કોમનમેનની માફક કાદવ-કીચડમાં ચાલીને લોકોની સમસ્યા જાણવા પહોંચ્યા હતા, લોકોની વચ્ચે બેસીને લોકોને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈને ગ્રામજનો સાથે વાતચીત કરીને વરસાદથી તેમને થયેલા નુકસાનની વિગતો જાણી હતી. ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને તમામ વિગતો  મેળવી હતી. મુખ્યમંત્રીએ અસર ગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાયની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌનું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

મુખ્યમંત્રી સાથે જામનગરના સાંસદ પૂનમ માડમ, પૂર્વમંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર તેમજ અન્ય પદાધિકારીઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી, કલેકટર સૌરભ પારઘી વગેરે જોડાયા હતા.જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી સ્થિતિનો તાગ મેળવવા અને જિલ્લા તંત્રને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બે  જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે નીકળ્યાં હતા.

કોમનમેનની માફક કાદવ-કીચડમાં ચાલી લોકો સુધી પહોંચ્યા

સોમવારે ધુંવાવ ગામમાં પૂર આવ્યું હોવાને કારણે ઠેર ઠેર કાદવ-કીચડનું સામ્રાજ્ય છે. ત્યારે ધુંવાવ ગામમાં મુખ્યમંત્રી પગે ચાલીને જ લોકોને સાંભળવા માટે પહોંચ્યા હતા. અહીં લોકોના મુખે જ લોકોની આપવીતી સાંભળી હતી. લોકોને સાંભળ્યાં બાદ મુખ્યમત્રી દ્વારા સરકાર તરફથી તમામ બનતી મદદ કરવાની ખાતરી આપવામા આવી હતી.

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch