Sat,08 August 2026,10:05 pm
Print
header

સેક્સપાવર વધારવાની દવા ખરીદ્યા પછી શરૂ થતો હતો બ્લેકમેઈલનો ખેલ, યુવતી સહિત 7 આરોપીઓની ધરપકડ

  • Published By dilip patel
  • 2026-07-10 17:25:44
  • /

અમદાવાદઃ વસ્ત્રાલમાં ચાલતા એક કોલ સેન્ટર પરથી સેક્સ્યુઅલ પાવર વધારવાની આયુર્વેદિક દવાના નામે દેશભરમાં હજારો લોકો સાથે છેતરપિંડી કરાઇ છે. આ આંતરરાજ્ય ગેંગનો ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન યુવતી સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગેંગે અંદાજે પાંચ હજાર લોકોને નિશાન બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર નેટવર્કનું સંચાલન અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા કોલ સેન્ટર પરથી થતું હતું, જ્યારે તેનો મુખ્ય સૂત્રધાર ઉત્તર પ્રદેશના ઇટાવાનો રહેવાસી દેવેન્દ્રસિંહ રાજાવત હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શક્તિવર્ધક દવા, 100 ટકા ગેરંટી, આયુર્વેદિક ઈલાજ અને પરફોર્મન્સ વધારવાની દવા જેવા દાવા કરતી આકર્ષક જાહેરાતો પ્રસારિત કરતા હતા.

જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરનાર લોકોને કોલ સેન્ટરના કર્મચારીઓ ડોક્ટર અથવા મેડિકલ એક્સપર્ટ તરીકે ઓળખ આપી વિશ્વાસમાં લેતા અને દવા ખરીદવા માટે સમજાવતા હતા. વાતચીત દરમિયાન ગ્રાહકોની માહિતી લઇ લેતા હતા.

ગેંગની સૌથી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી દવા વેચ્યા પછી શરૂ થતી હતી. ગ્રાહકે દવા ખરીદી અને પાર્સલ સ્વીકારી લીધા બાદ આરોપીઓ ફરી ફોન કરતા અને આ વખતે પોતાને પોલીસ અધિકારી અથવા સરકારી અધિકારી તરીકે ઓળખાવતા હતા.

તેઓ ગ્રાહકને જણાવતા કે પ્રતિબંધિત દવા ઓનલાઈન ખરીદી છે અને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગ્રાહકને તેના વિસ્તારના પોલીસ સ્ટેશન અથવા જિલ્લા પોલીસ કચેરીના નામે ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા. જો કેસમાંથી બચવું હોય તો સમાધાન માટે રૂ.2 હજારથી લઈને રૂ.1 લાખ સુધીની રકમ ચૂકવવી પડશે. ડરના કારણે ઘણા લોકો આ રકમ ચૂકવી દેતા હતા.

માત્ર દવા ખરીદનાર જ નહીં પરંતુ જે ગ્રાહકો પાર્સલ સ્વીકારતા ન હતા તેમને પણ આરોપીઓ છોડતા ન હતા. આવા લોકોને જેલની સજા, પોલીસ કાર્યવાહી અને કોર્ટ કેસની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવતા હતા. લોકોની શરમ અને સામાજિક પ્રતિષ્ઠાનો ફાયદો ઉઠાવી ગેંગ તેમને સતત ડરાવીને પૈસા પડાવતી હતી.

સાયબર ક્રાઈમની તપાસમાં જાણવા મળ્યું છે કે ગેંગ સોશિયલ મીડિયા પર જાહેરાતો ચલાવવા માટે દરરોજ અંદાજે રૂ.30 હજાર જેટલો ખર્ચ કરતી હતી. વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પરથી હજારો લોકોનો ડેટાબેઝ તૈયાર કરીને તેમને ટાર્ગેટ કરવામાં આવતા હતા. પોસ્ટ અને કુરિયર મારફતે દવાના પાર્સલ મોકલવામાં આવતા હતા, જેથી સમગ્ર કામગીરી કાયદેસર વ્યવસાય જેવી દેખાય.

44 મોબાઈલ, કમ્પ્યુટર સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી 44 મોબાઈલ ફોન, 23 CPU, બે લેપટોપ, એક મોનિટર, ત્રણ કોલર આઈડી ફોન, ત્રણ પેન ડ્રાઈવ, પાંચ બેંક પાસબુક, ચેકબુક, QR કોડ, ગ્રાહકો સાથેની કોલ ટ્રાન્સસ્ક્રિપ્ટ, શક્તિવર્ધક દવાના બોક્સ તેમજ વિવિધ આયુર્વેદિક કંપનીઓના નામે બનાવાયેલા નકલી રબર સ્ટેમ્પ સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓ સાથે સંકળાયેલા 14 બેંક ખાતાઓ મળી આવ્યાં છે. આ ખાતાઓમાં રૂ.5 કરોડથી વધુના નાણાંકીય વ્યવહારો સામે આવ્યા છે. આ ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર અગાઉથી છ ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી નોંધાયેલી ફરિયાદોનો સમાવેશ થાય છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch