Wed,18 February 2026,11:24 am
Print
header

ઠાકોર સમાજના બંધારણમાં DJ પર પ્રતિબંધથી વિવાદ: ગેનીબેન ઠાકોરે કહી આ વાત

  • Published By
  • 2026-01-19 18:12:58
  • /

પાટણ: ઠાકોર સમાજ દ્વારા તાજેતરમાં અમલમાં મૂકાયેલા સામાજિક બંધારણમાં લગ્ન પ્રસંગોએ ડીજે (DJ) વગાડવા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે ડીજે સંચાલકોના વિરોધ સામે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કડક વલણ અપનાવ્યું છે.

ઠાકોર સમાજના નવા બંધારણના કારણે પાટણ જિલ્લાના ડીજે સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાટણમાં યોજાયેલી એક સભામાં સંચાલકોએ રજૂઆત કરી હતી કે, ડીજે પર પ્રતિબંધ મુકવાથી અનેક લોકો બેરોજગાર બનશે. તેઓએ સાંસદ ગેનીબેન ઠાકોરને આ નિર્ણય પાછો ખેંચવા માગ કરી છે.

ડીજે સંચાલકોના વિરોધ પર પ્રતિક્રિયા આપતા ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, ડીજે બંધ કરવાનો નિર્ણય કોઈ વ્યક્તિગત નિર્ણય નથી, પરંતુ ત્રણ જિલ્લાના ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને બે લાખ લોકોની સહીઓ સાથે લેવાયેલો સામાજિક નિર્ણય છે. ઓગડ ખાતે સમાજના આગેવાનોએ જ્યારે આ બંધારણ ઘડ્યું, ત્યારે જેમને વાંધો હતો તેમને રજૂઆત કરવાની છૂટ હતી.

ડીજે સંચાલકો દ્વારા અપાયેલી ચીમકી કે 'જો ડીજે બંધ થશે તો તેઓ દારૂ વેચશે', તેના પર ગેનીબેને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ડીજે બંધ થવાથી દારૂ વેચીશું તેવું કહેવું એ બ્લેકમેલિંગ છે અને પોલીસે આવા નિવેદનો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે પોલીસનો ડર ન હોય ત્યારે જ આવા નિવેદનો આવતા હોય છે."

ગેનીબેને વધુમાં સ્પષ્ટતા કરી હતી કે,  ડીજે બંધ રાખવા પાછળનું એક કારણ એ પણ હતું કે સમાજમાં ભાગી જવાની ઘટનાઓમાં ડીજે જવાબદાર હોવાની રજૂઆતો મળી હતી. હવે આ મુદ્દે પુનઃવિચારણા માત્ર 4 જાન્યુઆરી, 2027 ના રોજ 'બંધારણ દિવસ'ની ઉજવણી વખતે જ શક્ય બનશે. ત્યાં સુધી ઠાકોર સમાજના દરેક વ્યક્તિએ આ સામાજિક બંધારણનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ વિવાદને પગલે આગામી સમયમાં ઠાકોર સમાજ અને ડીજે સંચાલકો વચ્ચે ઘર્ષણ વધવાની શક્યતા સેવાઈ રહી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch