Thu,25 April 2024,2:47 pm
Print
header

કોંગ્રેસ ધારાસભ્યના પુત્ર અને પિતરાઈ ભાઈ પર હુમલાના વિરોધમાં શહેર સજ્જડ બંધ

વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાના સમર્થનમાં આવ્યાં લોકો 

વિસાવદરઃ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાના પુત્ર અને પિતરાઈ ભાઈ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા વિસાવદર શહેર સજ્જડ બંધ રહ્યું છે.બંધના સમર્થનમાં કોંગ્રેસની સાથે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાયા હતા. ગામ લોકોએ વિસાવદર પોલીસ સ્ટેશન પર પહોંચી લુખ્ખાગીરી કરનારા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

ગત મોડી રાત્રે ધારાસભ્યના પુત્ર અને પિતરાઇ ભાઇ સહિતનાં પરિવારજનો પર અસામાજિક તત્વોએ હથિયારોથી જીવલેણ હુમલો કરી કારનો કચ્‍ચરઘાણ બોલાવી દીઘો હતો. જેના વિરોધમાં આજે સવારથી વિસાવદર શહેર સજ્જડ બંધ રાખવામાં આવ્‍યું હતું, જેને કોંગ્રેસ, ભાજપ, આપ સહિત તમામ રાજકીય પક્ષો તથા ચેમ્‍બર ઓફ કોમર્સે સમર્થન આપ્યું હતુ, શહેરની તમામ દુકાનો-બજારો સજજડ બંધ રહ્યાં હતાં.

ધારાસભ્‍ય હર્ષદ રીબડિયાએ કહ્યું કે વિસાવદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી નાનાથી લઈને મોટા વેપારીઓ પાસે લુખ્‍ખાઓ હપ્તા અને ખંડણી માંગી આતંક ફેલાવી રહ્યાં છે જેથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે લુખ્‍ખાં તત્ત્વો સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ તમાશો જોઇ રહી છે, ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જણાવ્યું કે ગત રાત્રે એક નાસ્તાની રેકડી પર લુખ્ખાં તત્ત્વોની ગેંગે હપ્તાખોરીની માંગ કરી હતી. તે સમયે ત્‍યાં હાજર મારા પુત્ર રાજનને રેકડીવાળાએ રજૂઆત કરી હતી, જેથી મારા પુત્ર રાજને લુખ્ખાં તત્ત્વોને ધમકી આપીને હુમલો કર્યો હતો. તેના પર તલવાર વડે હુમલો કરતાં તેને હાથના ભાગે ઈજા પહોંચી હતી. બાદમાં રાજન તેના કાકા રાજ રીબડિયાને રામ મંદિર પાસે ઊભા રહીને વાત કરી રહ્યો તે સમયે પણ ફરી લુખ્ખાઓ તલવારો અને પાઇપ જેવાં ઘાતક હથિયારો સાથે બાઈક પર આવીને પિતરાઇ ભાઇ રાજ અને નેતાના પુત્ર રાજન પર જીવલેણ હુમલો કરી આડેધડ તલવારોના ઘા મારેલા, જેમાં રાજ રીબડિયાને માથાના ભાગે તલવાર મારી દેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ તત્ત્વોએ સ્‍થળ પર હાજર અન્ય પરિવારજનોની ગાડીઓનો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. ઇજાગ્રસ્‍ત પિતરાઇ અને પુત્રને વઘુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના અંગે બાદમાં ધારાસભ્ય હર્ષદ રીબડિયા સહિતના આગેવાનો વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચીને લુખ્ખાં તત્ત્વો સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી. આ ઘટનાના વિરોધમાં વિસાવદર શહેર બંધ રાખવાનું એલાન જાહેર કરાયું હતું, જેને ભાજપ, આમ આદમી પાર્ટી તથા ચેમ્બર ઓફ કોમર્સ સહિતના દરેક વેપારીઓએ સમર્થન આપ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch