Wed,15 July 2026,1:20 am
Print
header

અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ

  • Published By dilip patel
  • 2026-06-04 17:49:45
  • /
  • અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટની કાર્યવાહી 

અમદાવાદ: યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પ્રજ્ઞાચક્ષુ  આધેડને ઢોર માર મારવાના ચકચારી કેસમાં ચાંગોદર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ સોનલ રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે આ કાર્યવાહી અંગે પુષ્ટિ કરતા જણાવ્યું કે, મહિલા પીએસઆઈ દ્વારા કરવામાં આવેલી આ અમાનવીય મારામારીને ગંભીરતાથી લઈને તેમને ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજી નામના આધેડના ગલ્લા પર એક બાળકે ખાવાનું કોઇ પેકેટ તોડ્યું હોવાની આશંકાએ તેમણે બાળકને સામાન્ય ટપલી મારી હતી. આ ઘટના બાદ પોલીસે ગોપાલભાઈને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવીને અંદાજે 7 કલાક જેટલા સમય સુધી બેસાડી રાખ્યાં હતા. પોલીસ સ્ટેશનમાં અરજી અંગે સમાધાન માટે બાળકની માતા આવી રહી હોવાનું કહીને આધેડને રાહ જોવડાવવામાં આવી હતી.

દરમિયાન, સાંજના સમયે ચાંગોદર ખાતે ફરજ બજાવતા મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ ત્યાં ધસી આવ્યાં હતા અને ક્યાં છે મારા છોકરાને મારનાર ? તેમ કહીને કાયદો હાથમાં લીધો હતો. તેમણે પોલીસ સ્ટેશનની અંદર જ લાચાર પ્રજ્ઞાચક્ષુ આધેડ પર લાતો, લાફાથી બર્બરતાપૂર્વક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ગોપાલભાઈને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. વિરોધાભાસની વાત એ છે કે, આટલી ગંભીર ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસ દ્વારા ભોગ બનનાર પ્રજ્ઞાચક્ષુની ફરિયાદ નોંધવામાં આવી ન હતી.

આ ઘટનાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતાં જ વિવાદ વકર્યો હતો અને મહિલા પીએસઆઈએ ભીનું સંકેલવા ધમપછાડા શરૂ કર્યા હતા. ગુનાહિત કૃત્ય છુપાવવા માટે તેમણે સૌપ્રથમ વેજલપુર પોલીસ સ્ટેશનના કેદી જાપ્તાના કૃણાલ નામના એક કોન્સ્ટેબલને પ્રજ્ઞાચક્ષુ આધેડના ઘરે મોકલ્યો હતો.

ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા મળતા જ પીએસઆઈ સોનલ રાઠોડ પોતે પણ પીડિતના ઘરે માફી માંગવાના બહાને સમાધાન કરવા પહોંચ્યા હતા અને પોતાની ભૂલ સ્વીકારી હતી. જો કે, એ જ સમયે ત્યાં હાજર પત્રકારોની ટીમે જ્યારે તેમને તીખા સવાલો કર્યા હતા, ત્યારે પીએસઆઈ સોનલ રાઠોડ ત્યાંથી ભાગ્યા હતા. આખરે ઉચ્ચ અધિકારીઓ સુધી મામલો પહોંચતા ગ્રામ્ય એસપીએ આકરી કાર્યવાહી કરી મહિલા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch