Mon,13 April 2026,1:53 pm
Print
header

દેશમાં નહીં સર્જાય ઘરેલું રાંધણ ગેસની અછત, કેન્દ્રની સૂચના બાદ રિફાઇનરીઓએ LPG ઉત્પાદન વધાર્યું

  • Published By
  • 2026-03-10 18:44:24
  • /
  • ઔદ્યોગિક સપ્લાયમાં કાપ મુકવામાં આવ્યો
  • LPG સપ્લાય અંગે PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક કરી

નવી દિલ્હીઃ ઘરેલું ગ્રાહકોને રાંધણ ગેસની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે દેશની તેલ રિફાઇનરીઓએ LPG ઉત્પાદનમાં 10 ટકાનો વધારો કર્યો છે. સરકારી સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ રિફાઇનરીઓ અત્યારે 100 ટકા ક્ષમતા પર કામ કરી રહી છે.

કેન્દ્ર સરકારની સૂચના બાદ ઉત્પાદન વધારવાના આ પગલાથી સંભવિત પુરવઠામાં વિક્ષેપ અંગેની ચિંતાઓને દૂર કરવામાં મદદ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે ઘરેલું LPG ના દુરુપયોગ અને ગેરરીતિઓને રોકવા માટે નવા ગેસ સિલિન્ડરના બુકિંગ વચ્ચેનો પ્રતીક્ષા સમય પણ 21 દિવસથી વધારીને 25 દિવસ કર્યો છે.

LPG પુરવઠા પર અસર પડવાની આશંકાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાંધણ ગેસની સંભવિત અછતને પહોંચી વળવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ઔદ્યોગિક ગેસના વપરાશમાં 50 ટકાનો કાપ મૂક્યો છે. રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે ખાતરી આપી હતી કે ઘરેલું LPG વિતરણમાં કોઈ અવરોધ આવશે નહીં. તેમણે જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી રહી છે જેથી ઘરોમાં રાંધણ ગેસની અછત ન સર્જાય.

મંત્રીએ રાજકોટમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર પ્રતિબંધ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કોઈ કાપ કે પ્રતિબંધ નથી. સ્થિતિ પર દેખરેખ રાખવા માટે સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ લાગુ કર્યો છે, જોકે સ્પષ્ટતા કરી છે કે એસ્મા લાગુ કરવામાં આવ્યો નથી.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ઉર્જા ઉપલબ્ધતાની બાબતમાં ભારતની સ્થિતિ અન્ય ઘણા દેશો કરતા સારી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર દેશની ઉર્જા જરૂરિયાતોને કોઈપણ વિક્ષેપ વિના પૂરી કરવા માટે સતત અન્ય દેશો સાથે સંપર્કમાં છે. સૂત્રોએ ઉમેર્યું કે શરૂઆતમાં કેટલીક ચિંતાઓ જરૂર હતી, પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે અને સપ્લાય ચેઈન સુચારૂ રીતે કાર્ય કરી રહી છે.

સરકારે લોકોને  સોશિયલ મીડિયા પર LPG ની અછત અંગે ફેલાતી અસમર્થિત અને ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. ગ્રાહકોની જરૂરિયાતો સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch