Sat,17 October 2026,5:45 am
Print
header

થરાદ નજીક ભારતમાલા હાઇવે પર ભયાનક અકસ્માત: આખલો આડે આવતાં રેન્જ રોવરનો કચ્ચરઘાણ વળી ગયો

  • Published By
  • 2026-09-27 10:40:01
  • /
  • બે યુવકોનાં મોત, એક ગંભીર
  • ઘડાકાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યાં

થરાદ: વાવ-થરાદ પંથકમાં રખડતા પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન જીવલેણ સાબિત થઈ રહ્યો છે. મોડી રાત્રે થરાદ નજીકથી પસાર થતા ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર ઝડપથી જઇ રહેલી રેન્જ રોવર કાર સામે અચાનક આખલો આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો હતો.

મળતી વિગતો અનુસાર, મોડી રાત્રિના સુમારે રેન્જ રોવર કાર હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક આખલો રસ્તા વચ્ચે ધસી આવ્યો હતો. ચાલક બ્રેક મારે તે પહેલાં જ કાર ધડાકાભેર પશુ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે મજબૂત મનાતી રેન્જ રોવર કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતનો ભયાનક અવાજ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કારમાં સવાર ત્રણમાંથી બે યુવકોએ ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઘવાયેલા ત્રીજા વ્યક્તિને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

એક્સપ્રેસ હાઇવે પર સ્પીડ કંટ્રોલ અને સુરક્ષાના તંત્ર દ્વારા મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં હાઇવે પર અડિંગો જમાવીને બેસતા રખડતા ઢોરો વાહનચાલકો માટે યમરાજ સમાન સાબિત થઈ રહ્યાં છે. વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch