Sat,14 March 2026,1:09 am
Print
header

AI સમિટમાં ચીની રોબોટનો વિવાદ, પીએમ મોદી પર કોંગ્રેસે સાધ્યું નિશાન

  • Published By
  • 2026-02-19 18:43:07
  • /

નવી દિલ્હી: AI ઈમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન એક રોબોટિક ડોગને લઈને ભારે હોબાળો મચ્યો છે, આ મામલો ગ્રેટર નોઈડાની ગલગોટિયા યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. યુનિવર્સિટીના પેવેલિયનમાં રોબોટ ડોગ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, ગલગોટિયા યુનિવર્સિટીએ ચીની રોબોટને પોતાનો પ્રોજેક્ટ ગણાવ્યો હતો. એટલું જ નહીં, યુનિવર્સિટી પર કોરિયન ડ્રોનને પણ પોતાનો પ્રોજેક્ટ ગણાવવાનો આરોપ છે, જેના કારણે વિવાદ વધવાની સાથે રાજકારણ ગરમાયું છે.

વિવાદ બાદ ગલગોટિયા યુનિવર્સિટીને ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ એક્સપોમાંથી બહાર કરી દેવામાં આવી છે. આયોજકોએ પહેલા યુનિવર્સિટીના પેવેલિયનની વીજળી કાપી નાખી અને ત્યાર બાદ તાળું મારી બેરીકેડિંગ કરી દીધું હતું. આ કાર્યવાહી એક વીડિયો વાયરલ થયા બાદ કરવામાં આવી છે, જેમાં યુનિવર્સિટીએ ચીની કંપનીના રોબોટિક ડોગને પોતાની શોધ ગણાવી હતી. સાથે જ કોરિયન કંપનીના ડ્રોનને પણ પોતાનું ગણાવ્યું હતું. આ મામલે કોંગ્રેસે કહ્યું કે સરકારે દેશની છબી ખરાબ કરી છે અને ચીની મીડિયાએ આપણી મજાક ઉડાવી છે, જે ભારત માટે ખરેખર શરમજનક બાબત છે.

વાયરલ વીડિયોમાં યુનિવર્સિટીના પ્રોફેસર નેહા સિંહ કહી રહ્યાં છે કે આ રોબોટિક ડોગનું નામ 'ઓરિયન' છે અને તેને ગલગોટિયા યુનિવર્સિટીના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે યુનિવર્સિટી AI ક્ષેત્રે ₹350 કરોડનું રોકાણ કરી રહી છે. આ વીડિયો સામે આવ્યાં બાદ ટેક એક્સપર્ટ્સ અને યુઝર્સે દાવો કર્યો કે આ વાસ્તવમાં ચીની કંપની 'Unitree'નું Go-2 મોડલ છે, જે બજારમાં ₹2- 3 લાખમાં ઉપલબ્ધ છે. અન્ય એક વીડિયોમાં યુનિવર્સિટી જે ડ્રોનને શરૂઆતથી કેમ્પસમાં તૈયાર કર્યાનો દાવો કરી રહી છે, તેને યુઝર્સે ₹40 હજાર વાળું રેડીમેડ 'Stryker V-3 ARF' મોડલ ગણાવ્યું છે.

આ ઘટના બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી છે. યુનિવર્સિટીનું કહેવું છે કે તેમના સ્ટોલ પર હાજર એક પ્રતિનિધિ પાસે પ્રોડક્ટ વિશે પૂરી જાણકારી ન હતી. કેમેરા સામે આવવાના ઉત્સાહમાં તે યુવતીએ કેટલીક ખોટી ટેકનિકલ માહિતી આપી દીધી, જ્યારે તેને મીડિયા સાથે વાત કરવાની પરવાનગી પણ ન હતી.

યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, "અમે આ રોબોટ બનાવ્યો હોવાનો ક્યારેય દાવો કર્યો નથી. આ રોબોટિક ડોગ Unitree પાસેથી લેવામાં આવ્યો છે અને તે વિદ્યાર્થીઓ માટે એક 'ચાલતું-ફરતું ક્લાસરૂમ' છે જેથી તેઓ તેના પર પ્રયોગ કરી શકે. પ્રોફેસર નેહાએ આ વિવાદની જવાબદારી લેતા કહ્યું કે ઉત્સાહમાં વાતો સ્પષ્ટ રીતે રજૂ ન થઈ શકવાના કારણે આ ભૂલ થઈ છે."

આ મામલે રાજકારણ તેજ બન્યું છે. કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું કે મોદી સરકારે AIના મામલે વિશ્વભરમાં ભારતની મજાક કરાવી છે. ચીની મીડિયાએ આપણી મશ્કરી કરી છે અને સૌથી શરમજનક વાત એ છે કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ આ ખોટા પ્રચારમાં સામેલ છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના ટેલેન્ટ અને ડેટાનો સાચો ઉપયોગ કરવાને બદલે, આ AI સમિટ માત્ર એક ડિસઓર્ગેનાઈઝ્ડ PR સ્પેક્ટેકલ'  બનીને રહી ગઈ છે, જે નબળા મેનેજમેન્ટને કારણે હાસ્યાસ્પદ બની ગઈ છે. આ મામલે હવે કોંગ્રેસે મોદી સરકારની મજાક ઉડાવી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch