Sat,13 June 2026,2:22 pm
Print
header

સુરતમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન: 261 શંકાસ્પદ લોકોની તપાસમાં 84 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

  • Published By dilip patel
  • 2026-06-03 17:40:44
  • /
  • બંગાળ સરહદના એજન્ટો દ્વારા નકલી દસ્તાવેજો બનાવી સુરત લાવવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
  • સંયુક્ત સર્ચ ઓપરેશન અને સામૂહિક અટકાયત
  • માનવ તસ્કરી અને આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ

સુરત: શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને પકડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ શહેરના વિવિધ સંવેદનશીલ અને શ્રમિક વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 261 શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કર્યાં હતા, જેમાંથી પ્રાથમિક તપાસ અને ડેટા વેરિફિકેશનના અંતે 84 નાગરિકો ગેરકાયદેસર બાંગ્લાદેશી હોવાનું કન્ફર્મ થયું છે.

કુલ 261 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી 84 વ્યકિતઓ બાંગ્લાદેશી નાગરિક હતા. તે પૈકી 34 પુરુષો અને 29 મહિલાઓ હતી. જ્યારે 21 બાળકો પણ સામેલ હતા. 160 લોકોના દસ્તાવેજોનું ક્રોસ-વેરિફિકેશન ચાલુ છે.

આ હાઈ-પ્રોફાઈલ ઓપરેશનમાં સુરત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મોરચો સંભાળ્યો હતો. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા ભેસ્તાન, ઉધના, પાંડેસરા, પુણા, રાંદેર, અમરોલી, સચિન, અઠવા, કોસાડ અને ચોકબજાર જેવા શ્રમિક અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં પણ આ વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ ચૂક્યા હોવાથી આ વખતે પણ આ વિસ્તારોને જ કેન્દ્રમાં રાખવામાં આવ્યાં હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પશ્ચિમ બંગાળ સરહદના એજન્ટોના માધ્યમથી આ નાગરિકોના નકલી દસ્તાવેજો બનાવવામાં આવ્યાં હતા. ત્યારબાદ તેઓને ફ્લાઇટ, ટ્રેન અને રોડ માર્ગે સુરત સુધી પહોંચાડવામાં આવ્યાં હતા. હાલ પોલીસ આ આંતરરાજ્ય નેટવર્ક, માનવ તસ્કરીની આશંકા અને મોટા પાયે થયેલા નાણાંકીય વ્યવહારોના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ ચલાવી રહી છે.

હાલ પકડાયેલા 84 બાંગ્લાદેશી નાગરિકો સિવાયના બાકીના 160 લોકોના દસ્તાવેજો અને નિવેદનોની ક્રોસ-વેરિફિકેશનની કામગીરી અલગ-અલગ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે. આ લોકોનો ભારતમાં પ્રવેશવાના વાસ્તવિક હેતુ અને સંતાયેલા અન્ય તત્વોનો પર્દાફાશ કરી શકાય તે હેતુથી કામગીરી કરવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch