Mon,09 December 2024,1:24 pm
Print
header

અમદાવાદ તોડકાંડમા પોલીસકર્મી સસ્પેન્ડ, વિયેતનામથી આવેલા મુસાફરોનો કર્યો હતો 400 ડોલરનો તોડ, 3 દારૂની બોટલો પણ લઇ લીધી હતી

અમદાવાદઃ વડોદરામાં રહેતા દંપતી સહિત ચાર લોકો વિયેતનામથી અમદાવાદ આવ્યા બાદ ટેક્સી કરીને વડોદરા પરત ફરી રહ્યાં હતા. રામોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંગ દાનાભાઈએ ટેક્સી અટકાવીને દંપતીને ધમકાવી તેમની પાસેથી દારૂની 3 બોટલો, 400 અમેરિકી ડોલર અને 12 હજાર રૂપિયા રોકડા પડાવી લીધા હતા, તપાસ બાદ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

5 ઓક્ટોબરે કપલ વિયેતનામથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું હતું. તેમને અમદાવાદથી વડોદરા માટે ટેક્સી બુક કરાવી હતી. ટેક્સી વડોદરા જવા માટે એક્સપ્રેસ વે પરથી જઈ રહી હતી. ટેક્સી અદાણી સર્કલ પાસે પહોંચી ત્યારે રામોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંગ દાનાભાઈ સહિત સાથે હાજર અન્ય 2 કોન્સ્ટેબલોએ ટેક્સીને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી.

દંપતી પાસે દારૂની પરમીટ હોવા છતાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંગ દાનાભાઈએ આ દારૂની બોટલો મામલે કાર્યવાહી કરવાના નામે ધમકાવી દારૂની 3 બોટલો, 400 યુએસ ડોલર, 12 હજાર રૂપિયા રોકડા લઇ લીધા હતા. વડોદરા પરત ફરેલા દંપતીના સંબંધીઓ રામોલ પોલીસમાં ફરિયાદ કરવા આવ્યાં હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.  હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંગ દોષિત ઠરતાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

દંપતીના સગા-સંબંધીઓ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા, ત્યારે પ્રથમ તો પોલીસે તેમની વાત સાંભળી ન હતી, બાદમાં આરોપીઓએ વડોદરાના દંપતીને ફોન કરીને 3 દારૂની બોટલો, 400 યુએસ ડોલર અને 12 હજાર રૂપિયા પાછા આપવા અને કેસ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચી ગયો હતો અને કેસની તપાસ એસીપી કૃણાલ દેસાઈને સોંપવામાં આવી હતી.

ACP કૃણાલ દેસાઈએ સમગ્ર મામલાની તપાસ કરતા તેમને જાણવા મળ્યું કે અદાણી સર્કલ પાસે દંપતિને ધમકી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે તે દારૂની બોટલનું બિલ હતું, તેમની પાસે દારૂની પરમિટ હોવા છતાં પોલીસકર્મીઓએ તેમની પાસેથી તોડ કર્યો હતો.જેમાં રામોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે તેમની સાથે હાજર અન્ય બે પોલીસકર્મીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે બાબતે સવાલો ઉઠી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch